
કેગના રિપોર્ટ બાદ જાગી IRCTC ટ્રેનોમાં અનધિકૃત પાણી અને ખાદ્ય સામગ્રી વિરુદ્ધ કાર્યવાહી, ૮,૦૦૦થી વધુ બોટલ જપ્ત તપાસ દરમિયાન અનધિકૃત પેકેજ્ડ પીવાના પાણીની ૫,૨૪૧ બોટલો જપ્ત કરવામાં આવી હતી
કેગના રિપોર્ટમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં પીવાના પાણીની ગુણવત્તા, અનધિકૃત પાણીની બોટલો તથા ખાદ્ય સામગ્રીના વેચાણ અને કેટરિંગ સેવાઓમાં સ્વચ્છતા અંગે ગંભીર ખામીઓ સામે આવી હતી. રિપોર્ટમાં અનધિકૃત બ્રાન્ડનું પેકેજ્ડ પાણી અને મંજૂરી વિના વેચાતી ખાદ્ય સામગ્રી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ રિપોર્ટ બાદ સફાળી જાગેલી આઈઆરસીટીસીએ હવે ટ્રેનોમાં સઘન ચેકિંગ શરૂ કરીને અનધિકૃત પાણી અને ખાદ્ય સામગ્રી સામે કાર્યવાહી શરૂ કરી છે. ક્વિક રિસ્પોન્સ ટીમો (ક્યુઆરટી) દ્વારા ટ્રેનો અને રેલવે પરિસરમાં તપાસ હાથ ધરાઈ રહી છે અને મોટી સંખ્યામાં અનધિકૃત પાણીની બોટલો તથા અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી રહી છે.ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પાેરેશન એટલે કે આઈઆરસીટીસીએ ટ્રેનો અને રેલવે પરિસરમાં અનધિકૃત રીતે વેચાતા પાણી, ખાદ્ય અને પીણાંની સામગ્રી વિરુદ્ધની કાર્યવાહી વધુ કડક બનાવી છે. આઈઆરસીટીસી દ્વારા હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં ૮ હજારથી વધુ અનધિકૃત પેકેજ્ડ પીવાના પાણીની બોટલો જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અનધિકૃત વેચાણ પર નિયંત્રણ લાવવાનો અને મુસાફરોની સુરક્ષા તથા ખાદ્ય ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે.આઈઆરસીટીસીએ આ કાર્યવાહી માટે ક્વિક રિસ્પોન્સ ટીમ એટલે કે ક્યુઆરટીની રચના કરી છે. આ ટીમો ભારતીય રેલવેના કોમર્શિયલ વિભાગ સાથે સંકલન કરીને ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર અચાનક તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન નિર્ધારિત ધોરણોનું પાલન ન કરતા અનધિકૃત પેકેજ્ડ પીવાનું પાણી, ખાદ્ય પદાર્થાે, પીણાં અને અન્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે.લખનઉ વિસ્તારમાં ૨૮ જુલાઈથી ૮ ઓગસ્ટ દરમિયાન આઈઆરસીટીસીના અધિકારીઓએ કુલ ૧૧૭ ટ્રેનોનું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન અનધિકૃત પેકેજ્ડ પીવાના પાણીની ૫,૨૪૧ બોટલો જપ્ત કરવામાં આવી હતી. ચંદીગઢ વિસ્તારમાં કુલ ૫૧ ટ્રેનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અનધિકૃત પેકેજ્ડ પીવાના પાણીની ૩,૧૦૮ બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત અંબાલા ખાતે બે સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન આઈસક્રીમ અને ફ્લેવર્ડ મિલ્ક સહિતની અનધિકૃત સામગ્રીના ૧૩ કાર્ટન જપ્ત કરવામાં આવ્યા હતા




