
સરકારની નવી ગાઈડલાઈન કેન્દ્ર સરકાર દ્વારા ઓવરલોડિંગના નિયમોમાં મોટો ફેરફાર જાે ઓવરલોડિંગ ૧૦ ટકાથી ૪૦ ટકાની વચ્ચે હશે, તો સામાન્ય ટોલ ટેક્સ કરતા બમણો ટેક્સ ભરવો પડશે નેશનલ હાઈવે પર ટ્રક અને માલવાહક વાહનો ચલાવતા ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓવરલોડિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે એટલે કે ૧૫ એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થશે.નવા નિયમો મુજબ વાહન માલિકોને રાહત આપતા સરકારે નક્કી કર્યું છે કે, જાે ગાડીમાં નિર્ધારિત ક્ષમતા કરતા ૧૦ ટકા સુધી વધારાનું વજન હશે, તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. નાની ભૂલોને કારણે ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન ન થાય તે હેતુથી આ રાહત આપવામાં આવી છે.જાેકે, ૧૦ ટકાથી વધુ વજન હોય તો ભારે દંડનો નિયમ બનાવાયો છે. જાે ઓવરલોડિંગ ૧૦ ટકાથી ૪૦ ટકાની વચ્ચે હશે, તો સામાન્ય ટોલ ટેક્સ કરતા બમણો ટેક્સ ભરવો પડશે. જ્યારે ૪૦ ટકાથી વધુ ઓવરલોડિંગના કિસ્સામાં ટોલ ટેક્સના ચાર ગણા નાણાં ચૂકવવા પડશે. હાઈવે પર મુકાયેલા વેઈંગ મશીન દ્વારા વજનની ચકાસણી કરવામાં આવશે અને આ દંડની રકમ સીધી FASTag માંથી કાપવામાં આવશે.
નિયમમાં ખાસ શરત એ છે કે, જાે કોઈ ટોલ પ્લાઝા પર વજન કરવાનું મશીન ન હોય અથવા ખરાબ હોય, તો વાહન ચાલક પાસેથી વધારાનો કોઈ દંડ લેવામાં આવશે નહીં. આવા સંજાેગોમાં માત્ર સામાન્ય ટોલ જ ચૂકવવાનો રહેશે. આ સાથે જ ઓવરલોડિંગ કરનારા વાહનોનો ડેટા સીધો સરકારી ‘વાહન‘ પોર્ટલ પર અપડેટ થશે.




