
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
એક બાજુ આપણો દેશ મહાસત્તા બને તેના સપનાઓ જોઈએ છીએ પરંતુ સમાજનો એક મોટો વર્ગ શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુધ્ધ પાણી કે શૌચાલય જેવી પ્રાથમિક સગવડો વગર જીવે છે ત્યારે આપણા વિકાસની વ્યાખ્યામાં આ મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ. આપણે પ્રશ્નોને ઉકેલવા માટે વૈશ્વિક સ્તરના ઉપાયો વિચારીએ છીએ પરંતુ સ્થાનિક સ્તરના ઉકેલો તરફ નજર નાખતા નથી.
આપણે મોટા શહેરની નજીકના ગામડાની સ્થિતિથી અજાણી છીએ અરે? શહેરમાં જ આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોના પ્રશ્નોથી યે અજાણ છીએ. પાયાની જરૂરિયાતો આમ આદમી સુધી પહોંચે તે માટે કરવાના પ્રયત્નોના પ્રશ્ને આપણા ચિંતકો વચ્ચે તીવ્ર ચર્ચાઓ કરાય છે. જેમાં કહેવાય છે પહેલા દેશે આર્થિક વિકાસ કરવો જોઈએ. નાણાંનો વ્યવસ્થિત કાર્યક્ષમ ઉપયોગ થાય તેવા માળખા વ્યવસ્થાતંત્રનું નિર્માણ થવું જોઈએ. આપણે ટાંકીમાં વધુને વધુ પાણી ભરવાનો પ્રયત્ન કરીએ પરંતુ પાઇપમાં લીકેજ હોય તો પાણી છોડ સુધી ક્યારેય પહોંચવાનું નથી. તે જ રીતે GDP માં ગમે તેટલો વધારો કરો પરંતુ H.D.I (હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ) માનવીના વિકાસનો આંક વધારવાની માળખાગત સગવડ નહીં હોય તો ધાર્યું પરિણામ આવવાનું નથી. આપણે ત્યાં કામદાર અને ઉદ્યોગગૃહો વચ્ચે સંવાદિત સંબંધો નથી. ઉદ્યોગ-ગૃહોને લચીલા શ્રમિક કાયદાઓ જોઈએ છે. આજે ઉદ્યોગો કાયમી કામદારોને સ્થાને કોન્ટ્રાકટ કામદારો રાખે છે. તેમના હક્કોની અવગણના કરવામાં આવે છે. કેટલાક દેશોમાં કોન્ટ્રાકટ કામદારો ને ચાલુ કામદારો કરતાં વધુ પગાર આપવામાં આવે છે. આપણે “સમાન કામ માટે સમાન વેતન “ ના સિધ્ધાંતને મંજૂર કરવો જોઈએ.કોન્ટ્રાકટ કામદારોના નામ ચોપડે નોંધાવા જોઈએ. તેમના મૂળભૂત હક્કો માન્ય થવા જોઈએ. કોર્પોરેટ કલ્ચરમાં ટ્રસ્ટીશિપની ભાવના દાખલ કરો. જેમાં જનતાનો,પર્યાવરણનો ગ્રાહકનો ખ્યાલ રાખવામાં આવેલો હોય તેવા સર્વ સમાવેશી વિકાસની દિશા પકડો. માત્ર નફાલક્ષી, શેરહોલ્ડરલક્ષી ધંધાની નીતિ બદલો. પશ્ચિમમાં કોર્પોરેટ ક્ષેત્રે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે. બેન્કો, મોટા કોર્પોરેટસને પ્રજાના કરવેરાના પૈસાથી ઉગારી લેવામાં આવે છે.
આજે લોકશાહી તેમના બારણે ટકોરા મારીને કંપનીઓના આર્થિક વિકાસમાં પ્રજાની ભાગીદારીની માંગણી
કરે છે.



