
મેચમાં હાર બાદ વિન્ડિઝ કેપ્ટનની પ્રતિક્રિયા બેટિંગ સારી હતી, પરંતુ બોલિંગમાં હજુ વધુ ચુસ્તતાની જરૂર હતી જ્યારે તમે વિશ્વના કેટલાક સૌથી મહાન બેટ્સમેનો સામે રમતા હોવ, ત્યારે તમારી પાસે ભૂલ કરવાની કોઈ પણ જગ્યા બચતી નથી ગુવાહાટી ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૪૦૫ રનનો વિશાળ સ્કોર ખડક્યો હોવા છતાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ વનડેમાં ૨૯૬ રન બનાવી હાર્યા બાદ કેપ્ટન શાઈ હોપે સ્વીકાર્યું હતું કે ટીમ ૫૦-૬૦ રન પાછળ રહી ગઈ હતી, જે ખોટ તેમણે બીજી મેચમાં ૪૦૫ રન બનાવીને પૂરી કરી હતી. જાેકે, ભારતીય બેટિંગ લાઇન-અપ સામે આ વિશાળ સ્કોર પણ વામણો સાબિત થયો હતો. ભારતીય ટીમે શુભમન ગિલની અણનમ બેવડી સદી અને રોહિત શર્માના શાનદાર શતકના દમ પર માત્ર ૨ વિકેટ ગુમાવીને ૪૪મી ઓવરમાં જ આ ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો હતો. શાઈ હોપે જણાવ્યું હતું કે: “સાચું કહું તો, હું આ મેચમાંથી ઘણી સકારાત્મક બાબતો લઉં છું. બેટિંગ ગ્રુપ તરીકે અમે સતત સારો ટોટલ બનાવી રહ્યા છીએ. પરંતુ જ્યારે તમે વિશ્વના કેટલાક સૌથી મહાન બેટ્સમેનો સામે રમતા હોવ, ત્યારે તમારી પાસે ભૂલ કરવાની કોઈ પણ જગ્યા બચતી નથી. જાે તમે તેમને આ પ્રકારની શરૂઆત આપશો, તો મેચ બચાવવી અત્યંત મુશ્કેલ બની જાય છે. ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને તેમને આનો શ્રેય મળવો જ જાેઈએ. જાે આપણે સમીક્ષા કરીએ તો બોર્ડ પર ૪૦૦ રન હોવા છતાં આપણે બોલિંગમાં વધુ ચુસ્ત રહી શક્યા હોત અને આપણી જાતને વાપસીની વધુ સારી તક આપી શક્યા હોત.”
હોપે સ્પષ્ટતા કરી હતી કે આ મેચમાં બેટિંગમાં પાયો ઘણો મજબૂત રહ્યો હતો. ટીમે યોજના બનાવી હતી કે ઇનિંગ્સના અંત સુધી હાથમાં પૂરતી વિકેટો જળવાઈ રહે. ભારતમાં રમતી વખતે ભારતીય સ્પિનરો જ સૌથી મોટો ખતરો હોવાનું ટીમ માનતી હતી. તેથી બેટ્સમેનોએ મજબૂત પાયો નાખ્યા બાદ અંતિમ ઓવરો સુધી તે જ આક્રમક ગતિ અને જાેશ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
વિટેલ લોજને મોડો બોલિંગ આપવા અંગે હોપે જણાવ્યું હતું કે આ ર્નિણય પરિસ્થિતિ અને સંજાેગો આધારિત હતો: તે પ્રથમ વખત ભારત પ્રવાસ પર આવ્યો છે અને ઉંમરમાં ઘણો નાનો છે, તેથી તેને સીધો સૌથી મુશ્કેલ ઓવર્સમાં બોલિંગ આપવાનું ટાળવામાં આવ્યું હતું. અમારો હેતુ તેને આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં માનસિક રીતે કમ્ફર્ટેબલ રાખવાનો હતો. તેણે આવીને શાનદાર સ્પેલ ફેંક્યો અને જવાબદારી સ્વીકારી. તેના માટે શીખવા જેવું ઘણું છે અને ભવિષ્યમાં તે વધુ મજબૂત બનીને ઉભરશે.




