
કરા અને વીજળી પડવાની શક્યતા ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન, ઉત્તર પ્રદેશના ૧૦ જિલ્લામાં કરાં પડયાં : ૧૩ રાજ્યોમાં એલર્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દેશના હવામાનને અસર થઈ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ત્રણેક દિવસ અનેક રાજ્યોમાં વરસાદ, તોફાન અને કરાં પડવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ઘણાં રાજ્યોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી એલર્ટ જારી કરાયો છે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં રોડ બંધ થઈ ગયો હતો. તેના કારણે અનેક વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા.
હવામાન વિભાગે ચેતવણી આપી હતી એ પ્રમાણે દેશના ૪૦ ટકા હિસ્સામાં વરસાદ અને કરાં પડવાની શક્યતા છે. ભારે પવન સાથેનું તોફાન પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાં ત્રાટકી શકે છે. ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી લોકોને વરસાદ થતો હોય ત્યારે ખુલ્લા મેદાનોમાં ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાથે સક્રિય થવાના કારણે દેશના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાયું છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં હળવોથી ભારે વરસાદ પડયો હતો. હજુય આગામી ત્રણ દિવસ વરસાદની શક્યતા છે. વરસાદી તોફાન અને વીજળી પડવાથી બે દિવસમાં જ ૧૫ જેટલા લોકોનાં મોત થઈ ચૂક્યા છે. રાજસ્થાનના શ્રીગંગાનગર અને સિકરમાં તેજ વરસાદ સાથે તોફાન ત્રાટક્યું હતું. દિલ્હી અને હરિયાણાના કેટલાક હિસ્સામાં હળવો વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્વિમ બંગાળ, આસામ, મેઘાલય, ઓડિશા અને કર્ણાટકમાં વરસાદ સાથે તોફાનની શક્યતા છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, અરૂણાચલ, પુડુચેરીમાં વરસાદ પડશે. રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં કરાં પડયા છે અને હજુય કરાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની સંભાવનાના પગલે ચેતવણી આપી છે.




