
આયર્લેન્ડના આકાશમાં ઉડાન ભરતી વખતે ઇમરજન્સી જાહેર કરી લંડનથી અમેરિકા જતી ફ્લાઇટ અચાનક ૯૦૦૦ ફૂટ નીચે આવી ગઈ વિમાન આશરે ૩૭,૦૦૦ ફૂટની ઊંચાઈથી નીચે આવીને લગભગ ૯,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું
બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ બીએ-૨૯૫ એ સોમવારે આયર્લેન્ડના આકાશમાં ઉડાન ભરતી વખતે ઇમરજન્સી જાહેર કરી હતી, કારણ કે વિમાન તેની સામાન્ય ઊંચાઈથી ઝડપથી નીચે આવવા લાગ્યું હતું.
બોઇંગ ૭૭૭ લંડનના હીથ્રો એરપોર્ટથી શિકાગો ઓ’હેયર જઈ રહ્યું હતું, ત્યારે આયર્લેન્ડ ઉપરથી પસાર થતી વખતે વિમાન આશરે ૩૭,૦૦૦ ફૂટની ઊંચાઈથી નીચે આવીને લગભગ ૯,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું.
ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટાથી વિમાનની ઊંચાઈમાં આવેલા ફેરફારની માહિતી મળી હતી. ત્યારબાદ પાયલટે ૭૭૦૦ કટોકટી કોડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્ક્વોક એ ચાર અંકનો એક કોડ હોય છે, જેને વિમાનનો ટ્રાન્સપોન્ડર એર ટ્રાફિક કંટ્રોલને મોકલે છે. કોડ ૭૭૦૦ નો ઉપયોગ સામાન્ય ઈમરજન્સીનો સંકેત આપવા માટે થાય છે. આ કોઈ ખાસ સમસ્યા વિશે જણાવતો નથી. તે માત્ર કંટ્રોલર્સને જણાવે છે કે ક્રૂને મદદ અને ખુલ્લો રસ્તાની જરૂર છે.
તાજેતરમાં દુનિયાભરનું ધ્યાન ખેંચનાર ફ્લાયદુબઈની ઘટના પછી આ ઘટના બની છે. તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ એફઝેડ૧૦૭૩ એ ઇમરજન્સી સ્ક્વોક કોડ મોકલ્યા પછી ૩૦ સપ્ટેમ્બરે પોતાનો રસ્તો બદલીને તબુક તરફ વળી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, ફ્લાયદુબઈની ફ્લાઈટ બે મિનિટથી પણ ઓછા સમયમાં ૧૭,૪૦૦ ફૂટ નીચે આવી ગઈ હતી.




