
રાહતના સમાચાર ઈરાને કહ્યું ભારતીય જહાજાેને હોર્મુઝ પાર કરવામાં મદદ કરીશું ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ જણાવ્યું કે ઈરાન અને ભારત વચ્ચે આ મુદ્દે સકારાત્મક વાતચીત ચાલી રહી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ફરી એકવાર સાતમા આસમાને પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ હોર્મુઝ પર નિયંત્રણનો દાવો કર્યો છે. આ જાહેરાતથી ભારતીય જહાજાેની મુશ્કેલીઓ વધી ગઈ છે. ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ, ભારતીય ધ્વજ ધરાવતું ૧૦મું એલપીજી ટેન્કર જગ વિક્રમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું. આ જહાજ પર ૨૦,૪૦૦ ટન LPG અને ૨૪ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ જહાજ ૧૫ એપ્રિલે મુંબઈ પહોંચવાનું છે.
શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ભાગમાં (ફારસની ખાડી) હજુ પણ ભારતીય ધ્વજ ધરાવતા ૧૫ જહાજાે ફસાયેલા છે. જેમાં એક LNG જહાજ, એક ખાલી LPG જહાજ, છ ક્રૂડ ઓઈલ ટેન્કર (પાંચ ભરેલા અને એક ખાલી), ત્રણ કન્ટેનર જહાજ, એક ડ્રેજર અને એક કેમિકલ કાર્ગો જહાજનો સમાવેશ થાય છે. આ જહાજાેને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતીય નૌસેના સતત પ્રયાસો કરી રહી છે.
ઈરાને જણાવ્યું છે કે તે ભારતના જહાજાેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરશે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ જણાવ્યું કે ઈરાન અને ભારત વચ્ચે આ મુદ્દે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે વર્તમાન તણાવ છતાં ઈરાન ઈચ્છે છે કે ભારતના જહાજાે કોઈપણ અવરોધ વગર આ માર્ગ પરથી પસાર થઈ શકે. તેથી ઈરાન, નવી દિલ્હીની મદદ કરવા તૈયાર છે.
ફતહલીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાને હોર્મુઝથી પસાર થતા ભારતીય ટેન્કરો પાસેથી કોઈ પણ પ્રકારનો ટોલ કે શુલ્ક વસૂલ્યો નથી. ભારત સરકારે પણ ટોલ આપવાના રિપોર્ટનું સતત ખંડન કર્યું છે. તેમણે ભારત સરકાર અને અહીંના લોકોનો આભાર માનતા કહ્યું કે મુશ્કેલ સમયમાં ભારતે પોતાને એક વિશ્વસનીય અને સંવેદનશીલ ભાગીદાર સાબિત કર્યું છે. બંને દેશો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધો છે અને બંનેના હિતો સમાન છે.
યુરોપિયન યુનિયન (EU)ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજાેની અવરજવર તાત્કાલિક પુન:સ્થાપિત કરવી જાેઈએ. તેમણે કહ્યું કે આ માર્ગ બંધ થવો એ વિશ્વ માટે ખૂબ જ નુકસાનકારક છે. તે અત્યંત જરૂરી છે કે જહાજાેની અવરજવર ફરી શરૂ થાય. જ્યાં સુધી લેબેનોનમાં ઈઝરાયલી હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી મિડલ ઈસ્ટમાં સ્થિરતા આવી શકશે નહીં.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેમનો દેશ ઈરાન પર અમેરિકાની દરિયાઈ નાકાબંધીનું સમર્થન કરે છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનો આ ર્નિણય સાચો છે અને ઈઝરાયલ આ બાબતમાં અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યું છે. નેતન્યાહૂના દાવા મુજબ ઈરાને પાકિસ્તાનમાં થયેલી શાંતિ વાર્તાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે ટ્રમ્પે આ કડક પગલું ભર્યું છે.




