
વોશિંગ્ટનમાં થઈ શકે બેઠક! મિડલ ઈસ્ટથી ગુડ ન્યૂઝ, ઈઝરાયલ-લેબેનોન પણ શાંતિ મંત્રણા કરવા તૈયાર અમેરિકાએ હવે નક્કી કરવું પડશે કે તેને સીઝફાયર જાેઈએ છે કે ઈઝરાયલ દ્વારા ચાલુ રાખવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સીઝફાયર દરમિયાન પણ ઈઝરાયલે લેબેનોનમાં હુમલા ચાલુ રાખતા અનેક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ તણાવ વચ્ચે હવે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે, કારણ કે ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે શાંતિ વાટાઘાટો આવતા અઠવાડિયે વોશિંગ્ટન સ્થિત સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં શરૂ થવાની શક્યતા છે. આ બેઠકમાં અમેરિકા તરફથી લેબેનોનમાં અમેરિકાના રાજદૂત મિશેલ ઇસ્સા નેતૃત્વ કરશે, જ્યારે ઈઝરાયલ તરફથી અમેરિકામાં તેમના રાજદૂત યેચિએલ લાઇટર સામેલ થશે.
જાેકે, લેબેનોન તરફથી કોણ પ્રતિનિધિત્વ કરશે તે હજુ સ્પષ્ટ થયું નથી.બીજી તરફ, પશ્ચિમ એશિયામાં વધતા તણાવને રોકવા અને સીઝફાયરને વધુ મજબૂત બનાવવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ૧૧ એપ્રિલે મહત્ત્વની બેઠક યોજાવાની છે. ઇસ્લામાબાદની સેરેના હોટલ અત્યારે રાજદ્વારી ગતિવિધિઓનું કેન્દ્ર બની છે. આ ઉચ્ચ સ્તરીય બેઠક માટે પાકિસ્તાન સરકાર દ્વારા સુરક્ષાના અત્યંત કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. અમેરિકાની ૩૦ સભ્યોની એડવાન્સ ટીમે પહેલેથી જ ઇસ્લામાબાદ પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. પાકિસ્તાને અમેરિકાને ખાતરી આપી છે કે આ વાટાઘાટો માટે સંપૂર્ણ સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે.દરમિયાન, સીઝફાયરના ઉલ્લંઘન પર ઈરાને કડક પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકાએ હવે નક્કી કરવું પડશે કે તેને સીઝફાયર જાેઈએ છે કે ઈઝરાયલ દ્વારા ચાલુ રાખવામાં આવેલી સૈન્ય કાર્યવાહી. આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સીઝફાયરના ભંગની ઘટનાઓ શાંતિ પ્રક્રિયાને નબળી પાડે છે. તેમણે તમામ પક્ષોને સંયમ જાળવવા અને સંમતિ મુજબ યુદ્ધવિરામના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે, જેથી પ્રદેશમાં સ્થિરતા લાવી શકાય.




