
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
સુરત સહિત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછિયા ગામમાં બનેલી ખૂનની ઘટનાઓ આજના હળહળતા કળિયુગની નિશાની છે. પહેલા જો સુરતની વાત કરીએ તો, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતા પિતા રમેશસિંહ કૈલાશસિંહ રાજપૂતે પોતાની ૨૨ વર્ષીય દીકરી કાજલને ઘરકામ બાબતે ઠપકો આપ્યો અને એના પગલે ઉશ્કેરાયેલી પુત્રીએ પિતા સાથે ઝઘડો કરી પ્રેશર કૂકરના ઢાંકણાં અને છરી વડે હુમલો કરી પિતાની હત્યા કરી નાખતાં પિતા ગયા ઈશ્વરના ધામમાં અને યુવાન દીકરી ગઈ જેલના સળિયા પાછળ આ છે આજનું યંગ જનરેશન જ્યાં એક મોબાઈલ જોવાને લઈ થયેલો ઘરકામ અંગેનો ઝઘડો પિતાના મોતનું કારણ બન્યો. જ્યારે અન્ય કિસ્સામાં પિતાએ એક દીકરાની માથું પછાડી હત્યા કરતાં રાજ્યમાં ચકચાર મચી ગયો છે. જેની મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં પિતાએ જ માતાજીની દેરી આગળ દીકરાનું માથું પછાડીને હત્યા કરી નાખી હતી. જેમાં કારણ એવું હતું કે આરોપી નરેશ પટેલે જણાવ્યું હતું કે મારા પિતા માતાજીના ભુવા હતા, તેમના પછી હું માતાજીનો ભુવો થયો છું, મારા પછી કોઈ આપણાં ઘરમાં ભુવો ન થાય તે માટે મેં આ મારા દસ વર્ષના પુત્ર કરણની જોગણી માતાની દેરી પાસે બંને પગેથી પકડીને બેથી ત્રણ વખત પછાડી અને માથામાં લાકડી મારી હત્યા કરી દીધી છે. આ સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. જેમાં ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે પોતાના જ સગા સંતાનની હત્યા કરી એની પાસે જ સૂઈ જવું એ આરોપીની વિકૃત માનસિકતા સ્પષ્ટપણે છતી થાય છે એટલે એની માનસિક સ્થિતિની પણ તપાસ કરાશે. આમ પુત્ર ભગવાનને પ્યારો થયો તો પિતા થયા જેલ હવાલે. ઉપરોકત બંને ઘટનાઓ આજના સમયમાં સંતાનો અને વૃધ્ધજનો જે રીતે મગજનો કાબુ ગુમાવી પરિવારને મુશ્કેલીમાં મૂકે છે એ ખૂબ જ ગંભીર બાબત છે.




