
ઈરાન મુદ્દે ચીનની શાંતિ પહેલ પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું યુદ્ધમેદાન ન બને : શી જિનપિંગ ઓમાનના સુલતાન સાથેની બેઠકમાં તણાવ ઘટાડવા અપીલ, ચીનના ખાસ દૂત ત્રણ દેશોની મુલાકાત લેશે
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના સંભવિત નવા હુમલાઓની ચર્ચાઓ વચ્ચે ચીને પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ-સૈયદ સાથે બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે, ‘પશ્ચિમ એશિયા અને અખાતી ક્ષેત્ર મોટી મહાસત્તાઓની હરીફાઈનું મેદાન બનવું જાેઈએ નહીં.’ શી જિનપિંગે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુન:સ્થાપિત કરવા માટે અરબ દેશો સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૮માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા બાદ ઓમાનના કોઈ રાષ્ટ્રાધ્યક્ષની આ પ્રથમ ચીન યાત્રા છે.ચીન અને ઓમાન વચ્ચે બહાર પાડવામાં આવેલા ૨૦ પોઈન્ટના સંયુક્ત નિવેદનમાં હોર્મુઝ સ્ટ્રેટ પરથી સામાન્ય અને સુરક્ષિત દરિયાઈ વાહનવ્યવહાર પુન:સ્થાપિત કરવા પર સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશોએ અમેરિકા અને ઈરાનને શાંતિપૂર્ણ માર્ગ અપનાવવા, સંઘર્ષનો અંત લાવવા માટે જૂન મહિનામાં થયેલા કરાર પર પાછા ફરવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત, ઈરાનના નાયબ સુરક્ષા પ્રમુખ અલી બાઘેરી કાનીએ પણ ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની બેઠકમાં ઈરાનના સાર્વભૌમત્વ અને સુરક્ષાનું સમર્થન કરવામાં આવ્યું હતું.કેલેન્ડર જુઓપશ્ચિમ એશિયામાં શાંતિની આ પહેલને વધુ આગળ ધપાવવા માટે ચીનના ખાસ દૂત ઝાઈ જૂન આ જ મહિને ઈરાન, ઓમાન અને સાઉદી અરેબિયાનો પ્રવાસ કરશે. ચીન અને અમેરિકા વચ્ચે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટોમાં ચીન ગેરંટરની ભૂમિકામાં આવી રહ્યું હોવાથી શી જિનપિંગનું આ નિવેદન વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શી જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે, ‘વિશ્વ મોટા ફેરફારોના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તમામ પક્ષોએ મળીને યુદ્ધ રોકવા અને સુરક્ષાત્મક પડકારોનો ઉકેલ લાવવા આગળ આવવું પડશે.’




