
વેપારી પાસેથી રૂ.૫૦ હજાર લૂંટ્યા હતા છરીની અણીએ મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા આરોપીઓ પાસેથી રોકડ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા સહિત કુલ રૂ.૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે
શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રામોલના રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસેથી ભંગારના વેપારીને રિક્ષામાં બેસાડી રૂ.૫૦ હજારની લૂંટ ચલાવવાના ચાર મહિના જૂના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા સહિત કુલ રૂ.૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, બાપુનગરના સુંદરમનગર વિસ્તારમાં રહેતા એક ભંગારના વેપારી ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે આશરે ૬:૧૫ વાગ્યે વડોદરા જવા માટે રામોલના રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે રિક્ષાની રાહ જાેઈ રહ્યા હતા. આ દરમિયાન એક સીએનજી રિક્ષા આવી હતી. રિક્ષાચાલકે રૂ.૧૫ ભાડું નક્કી કરીને વેપારીને રિક્ષામાં બેસાડ્યા હતા.
થોડે આગળ ગયા બાદ રિક્ષામાં અન્ય એક શખ્સને બેસાડવામાં આવ્યો હતો. ત્યારબાદ રિક્ષાચાલક સહિતના શખ્સોએ વેપારી પાસે રોકડની માગણી કરી હતી. વેપારીએ પૈસા આપવાનો ઇનકાર કરતાં બે શખ્સોએ તેમના હાથ પકડી લીધા હતા અને અન્ય એક શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ વેપારીના ખિસ્સામાંથી ધંધાના રૂ.૫૦ હજાર લૂંટી લેવામાં આવ્યા હતા.
લૂંટ કર્યા બાદ આરોપીઓ વેપારીને હરભોળાનાથ સોસાયટી પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ વેપારી ગભરાઈ ગયા હતા અને બહારગામ જવાનું હોવાથી તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.
જાેકે, પોલીસે બાતમીના આધારે સીટીએમ ચાર રસ્તા પાસેથી વટવાના ચાર માળિયા વિસ્તારમાં રહેતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ચાર મહિના બાદ ફરી બીજા શિકારની શોધમાં નીકળ્યા હતા અને તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા અન્ય બે શખ્સો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલી સીએનજી રિક્ષા સહિત કુલ રૂ.૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલ આ ગુનામાં સંડોવાયેલા સુરતના બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. આ ગેંગ દ્વારા અન્ય કોઈ લૂંટના ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




