
કારતક સુદ-૯ અક્ષય નવમી ધર્મ,દાન,તપ,વૃક્ષપૂજન અને અક્ષય પુણ્યપ્રાપ્તિનો પવિત્ર દિવસ
ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં દરેક તિથિનું આગવું ધાર્મિક તથા આધ્યાત્મિક મહત્વ રહેલું છે. કારતક માસને પવિત્ર માસ માનવામાં આવે છે. આ માસમાં કરવામાં આવતાં સ્નાન, દાન, જપ, તપ, પૂજા, પ્રાર્થના અને સેવાકાર્યોનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. કારતક સુદ નવમી એટલે કે અક્ષય નવમી પણ આવો જ એક પવિત્ર અને પુણ્યપ્રદ દિવસ છે. અક્ષય નવમીને આમળા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે,આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, આમળાના વૃક્ષનું પૂજન, દાન-પુણ્ય, બ્રાહ્મણ
ભોજન અને જરૂરિયાતમંદોની સેવા કરવાનું વિશેષ મહત્વ છે.
'અક્ષય' શબ્દનો અર્થ થાય છે-જેનો ક્યારેય ક્ષય ન થાય, જેનો નાશ ન થાય અથવા જે સદાય ટકી રહે. એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધા અને સદ્ભાવનાથી કરવામાં આવેલાં સત્કર્મોનું પુણ્ય અક્ષય રહે છે આથી આ તિથિનું નામ અક્ષય નવમી પડ્યું છે. આ પર્વ આપણને માત્ર ધાર્મિક વિધિઓ કરવાની પ્રેરણા આપતું નથી પરંતુ જીવનમાં સદગુણો, પરોપકાર, પ્રકૃતિપ્રેમ, સેવાભાવ અને આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરવાનો સંદેશ પણ આપે છે.
અક્ષય નવમીનું પૌરાણિક મહત્વ..પૌરાણિક પરંપરામાં અક્ષય નવમીને સતયુગના આરંભ સાથે પણ જોડવામાં આવે છે. આથી તેને 'સતયુગાદિ નવમી' કહેવામાં આવે છે. સતયુગને સત્ય, ધર્મ, તપ, દયા અને પવિત્રતાનો યુગ માનવામાં આવે છે. આ માન્યતા પાછળનો આધ્યાત્મિક ભાવ એવો છે કે મનુષ્યે પોતાના જીવનમાં પણ સતયુગ જેવી પવિત્રતા સ્થાપિત કરવી જોઈએ. અસત્યને છોડીને સત્યનો સ્વીકાર કરવો, સ્વાર્થને છોડીને પરોપકાર કરવો, અહંકારને છોડીને નમ્રતા કેળવવી અને દુર્ગુણોનો ત્યાગ કરીને સદ્ગુણો અપનાવવા જોઈએ. આ દિવસને યુગાદિ તિથિ તરીકે ઓળખાવતી પૌરાણિક પરંપરાનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોની પરંપરામાં મળે છે. અક્ષય નવમીના દિવસે કરવામાં આવતાં શુભ કાર્યોનું ફળ ક્યારેય ક્ષીણ થતું નથી એવી ધાર્મિક શ્રદ્ધા આ પર્વનું મુખ્ય આકર્ષણ છે. આમળાના વૃક્ષનું પૂજન અને તેનું મહત્વ..અક્ષય નવમીને આમળા નવમી કહેવાનું મુખ્ય કારણ આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. આમળાને સંસ્કૃતમાં આમલકી અને ધાત્રી કહેવામાં આવે છે.ધાત્રીનો અર્થ થાય છે માતાની જેમ પોષણ આપનાર. આયુર્વેદમાં પણ આમળાને અત્યંત ગુણકારી ફળ માનવામાં આવ્યું છે, તે શરીરના સ્વાસ્થ્ય અને પોષણ માટે ઉપયોગી છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે તેથી કારતક માસમાં ખાસ કરીને અક્ષય નવમીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણના કાર્તિક મહાત્મ્યમાં ધાત્રીવૃક્ષની મહિમા વર્ણવવામાં આવી છે, તેમાં આમળાનાં પાન અને ફળ દ્વારા શ્રીહરિની પૂજા કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કારતક માસમાં આમળાના વૃક્ષની છાયામાં ભોજન કરવાનું પણ પુણ્યપ્રદ માનવામાં આવ્યું છે. આ દિવસે ભક્તો આમળાના વૃક્ષને જળ અર્પણ કરી કંકુ, ચોખા, પુષ્પ અને દીપથી પૂજન કરે છે. વૃક્ષના થડની આસપાસ કાચા સૂતરનો દોરો વીંટાળીને પ્રદક્ષિણા કરે છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પરિવારના સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આમળાના વૃક્ષ નીચે પરિવારજનો સાથે બેસીને ભોજન કરવાની પણ પરંપરા છે. ભોજન પહેલાં ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ જરૂરિયાતમંદોને ભોજન કરાવીને પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. આ પરંપરામાં એક સુંદર પ્રકૃતિસંદેશ પણ છુપાયેલો છે.વૃક્ષો માત્ર લાકડું, ફળ કે છાંયો આપતાં સાધન નથી પરંતુ સમગ્ર જીવસૃષ્ટિના જીવનનો આધાર છે. વૃક્ષોનું જતન કરવું, નવા વૃક્ષો વાવવાં અને પ્રકૃતિનું રક્ષણ કરવું એ પણ એક પ્રકારની ઈશ્વરસેવા છે.
ભગવાન વિષ્ણુની ઉપાસનાનું મહત્વ..કારતક માસ ભગવાન વિષ્ણુની ઉપાસના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં ભગવાન વિષ્ણુને તુલસીદળ, દીપદાન, જપ, ભજન અને પૂજન અર્પણ કરવાની પરંપરા છે. અક્ષય નવમીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને ભક્તો સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલનહાર છે. તેમનું જીવનદર્શન આપણને સૃષ્ટિમાં સંતુલન-ધર્મની સ્થાપના અને જીવમાત્રના કલ્યાણનો સંદેશ આપે છે. આથી વિષ્ણુપૂજાનો સાચો ભાવ માત્ર મંદિરમાં પૂજા કરવા પૂરતો સીમિત ન રહેતાં જીવનમાં ધર્મ, સત્ય, કરૂણા અને ન્યાયનું પાલન કરવાનો છે.
દાન-પુણ્ય અને અન્નદાનનું મહત્વ..અક્ષય નવમીના દિવસે દાન કરવાનો વિશેષ મહિમા છે. અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, ગૌસેવા, ગરીબો અને જરૂરિયાતમંદોની સહાય તથા સાધુસંતોની સેવા કરવી શુભ માનવામાં આવે છે. દાનનો સાચો અર્થ માત્ર પોતાની પાસે રહેલી વસ્તુ બીજાને આપી દેવાનો નથી પરંતુ બીજાના દુઃખને સમજીને તેની જરૂરિયાત પ્રમાણે સહાય કરવાનો છે. ભગવદ્ગી તાઃ૧૭/૨૦ માં ભગવાન શ્રીકૃષ્ણ દાનના ત્રણ પ્રકાર સમજાવે છે.જે દાન કોઈપણ વળતરની અપેક્ષા રાખ્યા વિના, યોગ્ય દેશ, કાળ અને પાત્રને આપવામાં આવે છે તે સાત્વિક દાન કહેવાય છે.આ શ્લોક આપણને સમજાવે છે કે દાન પાછળ પ્રસિદ્ધિ-સ્વાર્થ કે બદલાની ભાવના ન હોવી જોઈએ. દાનમાં નિઃસ્વાર્થતા-નમ્રતા અને કરૂણા હોવી જોઈએ.અક્ષય નવમીનો સાચો સંદેશ પણ આ જ છે કે આપણા જીવનમાંથી કોઈનું દુઃખ ઓછું થાય, કોઈ ભૂખ્યાને ભોજન મળે, કોઈ નિરાધારને સહારો મળે અને કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનો દીવો પ્રગટે તેવાં સત્કર્મો કરવાં જોઈએ.
મથુરા-વૃંદાવનની પરિક્રમાનું મહત્વ..અક્ષય નવમીનું મહત્વ ઉત્તર ભારતમાં વિશેષ જોવા મળે છે. ખાસ કરીને મથુરા અને વૃંદાવનના બ્રજ વિસ્તારમાં આ દિવસે વિશાળ ધાર્મિક પરિક્રમા કરવામાં આવે છે. ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની પાવન લીલાભૂમિનું સ્મરણ કરતાં મથુરા અને વૃંદાવન વિસ્તારમાં પરિક્રમા કરે છે. આ પરિક્રમા દરમિયાન ભજન-કીર્તન અને ભગવાનનું નામસ્મરણ કરવામાં આવે છે. આ પરંપરા આપણને સમજાવે છે કે તીર્થયાત્રા માત્ર સ્થળોની મુલાકાત લેવાનું નામ નથી પરંતુ મનને પવિત્ર બનાવવાની-ભક્તિભાવ જગાડવાની અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ કરવાની આધ્યાત્મિક યાત્રા છે. અક્ષય નવમીનો આધ્યાત્મિક સંદેશ..અક્ષય નવમીનું સૌથી મોટું મહત્વ તેના નામમાં જ સમાયેલું છે. અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય થતો નથી. ભૌતિક જગતની દરેક વસ્તુ નાશવંત છે. ધન, સંપત્તિ, વૈભવ, શરીર અને સત્તા બધું સમયની સાથે પરિવર્તન પામે છે પરંતુ સત્કર્મો, સદ્વિચારો, પરોપકાર અને ભક્તિથી પ્રાપ્ત થતી આત્મિક સંપત્તિ જીવનને સાચી દિશા આપે છે.
આ પર્વ આપણને પાંચ મહત્વપૂર્ણ જીવનબોધ આપે છે.
મનુષ્યે પોતાના જીવનમાં હંમેશાં સારાં કાર્યો કરવાં જોઈએ.કોઈની મદદ કરવી, કોઈને દુઃખ ન પહોંચાડવું અને બીજાના જીવનમાં આનંદનું નિમિત્ત બનવું એ જ સાચું પુણ્ય છે, વૃક્ષો આપણને પ્રાણવાયુ, ફળ, ફૂલ, છાંયો અને ઔષધિઓ આપે છે તેથી વૃક્ષોનું રક્ષણ કરવું એ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી છે,
બીજાની પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર સેવા કરવી એ જીવનની મહાન આધ્યાત્મિક સાધના છે, સતયુગના આદર્શો અનુસાર સત્ય, ન્યાય, દયા, ક્ષમા અને પ્રમાણિકતાને જીવનમાં સ્થાન આપવું જોઈએ,
મનુષ્યે માત્ર બાહ્ય સુખ-સમૃદ્ધિ પાછળ દોડવાને બદલે આત્મજ્ઞાન-ઈશ્વરભક્તિ અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અક્ષય નવમી કેવી રીતે ઉજવવી? આ પવિત્ર દિવસે નીચે મુજબનાં સત્કાર્યો કરી શકાય છે. વહેલી સવારે ઊઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, આમળાના વૃક્ષનું પૂજન અને પ્રદક્ષિણા કરવી, ભગવાન વિષ્ણુના મંત્રો-વિષ્ણુસહસ્રનામ અને ભજનનું પઠન કરવું, જરૂરિયાતમંદોને અન્ન-વસ્ત્ર અને આવશ્યક વસ્તુઓનું દાન કરવું, ગરીબ અને નિરાધાર લોકોને ભોજન કરાવવું, વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંકલ્પ લેવો, માતા-પિતા-વડીલો અને સંતોનો આદર કરવો, કોઈની સાથે વેરઝેર હોય તો ક્ષમા અને પ્રેમથી સંબંધો સુધારવા, દિવસ દરમિયાન સારા વિચારો-સારા વચનો અને સારાં કાર્યો કરવાનો સંકલ્પ લેવો..આ બધી ધાર્મિક પરંપરાઓનો મુખ્ય ઉદ્દેશ મનુષ્યના જીવનમાં પવિત્રતા, પ્રેમ, દયા અને પરોપકારની ભાવના વિકસાવવાનો છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




