
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
વિશ્વમાં કેવા કેવા ચોરો પડયા છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. એવી જ એક મહિલા ચોરની આ વાત છે. જેમાં એમ થાય કે આજકાલ ચોરોનું પણ કહેવું પડે. લક્ઝરી કારમાં ધોળેદહાડે લૂંટ કરવા નીકળે છે. કેનેડાના બ્રેમ્પ્ટનમાં એક રેસિડેન્શિયલ વિસ્તારમાં CCTV કેમેરામાં ચોરીની એક અજીબ ઘટના કેદ થઈ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા મોટી લક્ઝરી કારમાંથી ઊતરે છે અને પાસે ઉભેલા વૃદ્ધ માજીને પગે લાગીને જાણે આશીર્વાદ લે છે અને પછી ગળે પણ લગાવે છે.
ગળે લગાવીને જાણે વાતચીત કરતી હોય એમ ચોર મહિલા પેલી વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવી રાખે છે, અને તેના ગળા અને હાથમાંથી જવેલરી કાઢીને જતી રહે છે. ૭૮ વર્ષની એ વૃદ્ધ મહિલાને એ પછી તે લૂંટાઈ ગઈ હોવાનો અહેસાસ થાય છે.આ મહિલાના દીકરાનું કહેવું છે કે ચોર લગભગ ૧૧૦ ગ્રામની જવેલરી ચોરીને ભાગી ગઈ છે. લગભગ ૧૯ લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ઇમોશનલ વેલ્યુ ખૂબ વધારે હતી એવું આ વૃદ્ધ મહિલાનું કહેવું છે.
હવે કેનેડાની પોલીસ CCTV કેમેરાનાં ફૂટેજના આધારે સફેદ લક્ઝરી કાર અને એમાં દેખાતી મહિલાની શોધ કરી રહી છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ વહેલી સવારે દેવ દર્શને જતી વૃદ્ધ મહિલાઓને પૂજાના બહાને વાતો માં ભોળવી દાગીના તફડાવવાના બનાવો પણ ભૂતકાળ માં નોંધાયા હતા.




