
સત્તાવાર સૈન્ય યાદીમાં સામેલ કરવાનો દાવો તૂર્કિયેએ ૩ ‘કિઝિલએલ્મા’ માનવરહિત ફાઈટર જેટ સુરક્ષા દળોને સોંપ્યા ૧,૫૦૦ કિગ્રા પેલોડ અને ૧,૧૧૧.૩૨ કિમી/કલાકની ઝડપ ક્ષમતા, પ્રમુખ એર્દોગને ઐતિહાસિક દિવસ ગણાવ્યો તૂર્કિયેની સંરક્ષણ કંપની બાયકરે ગત ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ત્રણ ‘કિઝિલએલ્મા’ માનવરહિત લડાકુ વિમાન દેશના સુરક્ષા દળોને સોંપ્યા છે. તૂર્કિયેના અધિકારીઓ અને કંપનીનો દાવો છે કે દુનિયામાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ દેશે પાઈલટ વગરના ફાઈટર જેટને સત્તાવાર સૈન્ય ઈન્વેન્ટરીમાં સામેલ કર્યા હોય. આ પ્રસંગને પ્રમુખ રેચેપ તાય્યિપ એર્દોગને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષોની મહેનત બાદ આ સપનું સાકાર થયું છે. બાયકરના જણાવ્યા મુજબ, વીસ વર્ષ અગાઉ શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો છે.
જેટ એન્જિન આધારિત કિઝિલએલ્માને હવાથી હવા અને હવાથી જમીન એમ બંને પ્રકારના મિશન માટે તૈયાર કરવામાં આવ્યું છે. રડારથી ઓછું દેખાતું લો-ઓબ્ઝર્વેબલ ડિઝાઈન અને આંતરિક વેપન બે (હથિયાર રાખવાની જગ્યા) તેની સ્ટીલ્થ ક્ષમતામાં વધારો કરે છે. આ વિમાન લગભગ ૮.૫ ટન વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે, જેમાં ૧,૫૦૦ કિલોગ્રામ પેલોડ લઈ જઈ શકાય છે. તેની મહત્તમ ગતિ ૧,૧૧૧.૩૨ કિમી/કલાક સુધી પહોંચી શકે છે અને તે ત્રણ કલાકથી વધુ સમય સુધી હવામાં રહી શકે છે. તેમાં એસેલ્સાનનું મુરાદ એઈએસએ રડાર અને ટોઈગુન ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ સહિતની અદ્યતન ટેક્નોલોજી સંકલિત કરાઈ છે. વર્ષ ૨૦૨૨માં પ્રથમ ઉડાન બાદ તેની સેંકડો પરીક્ષણ ઉડાનો થઈ છે અને ૨૦૨૫માં હવામાં લક્ષ્ય પર મિસાઈલ પ્રહારનું સફળ પરીક્ષણ પણ કરાયું હતું.
અગાઉ એમક્યૂ-૯ રીપર જેવા પરંપરાગત સશસ્ત્ર ડ્રોન વિવિધ દેશો પાસે ઉપલબ્ધ છે, પરંતુ કિઝિલએલ્માને ફાઈટર જેટની ભૂમિકા નિભાવવા માટે વિકસાવવામાં આવ્યું છે. અમેરિકા, ચીન અને રશિયા સહયોગી લડાકુ વિમાન કાર્યક્રમો પર કામ કરી રહ્યા છે, પરંતુ સત્તાવાર ઈન્વેન્ટરીમાં સમાવેશનો દાવો તૂર્કિયે દ્વારા કરાયો છે. પોતાના સંસાધનોથી તૈયાર કરાયેલા આ વિમાન માટે ઈન્ડોનેશિયા સહિતના દેશો સાથે નિકાસ સમજૂતી પણ થઈ ચૂકી છે. આ પગલાંથી પાઈલટોનું જાેખમ ઘટશે, મિશનની સંખ્યા વધારવામાં મદદ મળશે અને ભવિષ્યના રોબોટિક યુદ્ધ યુગ તરફ નવી દિશા ખૂલશે, જાેકે પૂર્ણ પરિચાલન ક્ષમતા અને મોટા પાયે ઉત્પાદન હજુ બાકી છે.




