
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશમાં આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. પાંચેય રાજ્યોમાં રાજકીય પક્ષોએ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ક્યાંક સત્તા જાળવવાનો પડકાર છે તો ક્યાંક સત્તા પરિવર્તનની આશા છે. પરંતુ આ રાજકીય ગણતરીઓની વચ્ચે એક એવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, જેની સીધી અસર ચૂંટણીની નિષ્પક્ષતા અને લોકશાહી પ્રક્રિયા પર પડી શકે છે. મતદારયાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે SIR બાદ આ
પાંચેય રાજ્યોમાં મળીને આશરે ૨.૨૯ કરોડ મતદારો ઘટી ગયા છે.
હવે સવાલ એ છે કે આગામી ચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કપાવાની અસર કેવી રીતે પડશે અને જો તેમાં લાયક મતદારો પણ સામેલ હોય તો તેમને ન્યાય કોણ અપાવશે? અગાઉ બંગાળ અને બિહારમાં આપણે ચૂંટણી પંચની આવી રેઢિયાળ કામગીરીની વિપરીત અસર જોઈ ચૂક્યા છીએ. આમ પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ સામે સૌથી મોટો પડકાર માત્ર સ્વચ્છ મતદારયાદી તૈયાર કરવાનો નથી, પરંતુ એક પણ લાયક મતદાર અન્યાય પૂર્વક બાકાત ન રહી જાય તેની ખાતરી કરવાનો છે.
ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં આ કામગીરી પૂર્ણ થવી જોઈએ, કારણ કે ચૂંટણીમાં કોણ જીતશે તે પછીનો પ્રશ્ન છે, પરંતુ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર કોને મળશે તે નક્કી કરતી પ્રક્રિયા જ જો શંકાસ્પદ બને તો લોકશાહીની નિષ્પક્ષતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થાય છે. ચૂંટણીમાં હાર-જીત રાજકીય પક્ષોની હોઈ શકે, પરંતુ મતાધિકાર ગુમાવનાર નાગરિકની હાર સમગ્ર લોકશાહીની હાર છે.




