વિવાદોમાં રહેતી રાજકોટની મારવાડી યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીઓનો ન્હાતા સમયનો વીડિયો ઉતાર્યાની શંકાએ હોબાળો થયો છે. ત્યારે હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીનો વીડિયો બનાવી લેતા ઝઘડો થયો હતો. મોડી રાત્રે એકાએક હોસ્ટેલમાં હોબાળો થયો હતો. આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાં સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીનીઓ સગીર હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરંતું સમગ્ર બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી એટલે વિવાદોનું ઘર. હાલ મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના આપત્તિજનક વીડિયોનો મામલો સામો આવ્યો છે. હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી બે યુવતીઓ વચ્ચે ઝઘડાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં એક યુવતી બીજી યુવતીને ઉપરાઉપરી લાફા ઝીંકી રહી છે. એક યુવતીનો સ્નાન કરતો વીડિયો ઉતારી બીજી યુવતીએ તેને ફોરવર્ડ કર્યાનો આરોપ મૂકાયો છે.
સ્નાન કરતો વીડિયો ઉતારી તેનાં બોયફ્રેન્ડને મોકલ્યો
મળતી માહિતી મુજબ ગત રોજ રાત્રીનાં સુમારે રાજકોટમાં આવેલ મારવાડી કોલેજની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનો સ્નાન કરતો વીડિયો ઉતારી તેનાં બોયફ્રેન્ડને મોકલ્યો હોવાનું સામે આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે ભોગ બનનાર વિદ્યાર્થીનીને જાણ થતા વીડિયો મોકલનાર વિદ્યાર્થીનીઓ વચ્ચે હોસ્ટેલમાં જ છૂટા હાથની મારામારી થવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. મારવાડી કેમ્પસની અંદર ગાંજાના છોડવા વાવેલા મળી આવ્યા હતા, તો કેમ્પસની પાછળ તો આખું ગાંજાનું ખેતર મળી આવ્યું હતું. મીડિયા પહોંચતા મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. આગના ધુમાડાઓમાંથી ગાંજાની તીવ્ર દુર્ગંધ હવામાં ફેલાઈ હતી. પોલીસ તપાસમાં સુકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા.