
અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝનું નિવેદન.અમેરિકન વકીલને દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ગરબડની આશંકા.વકીલ માઈક એન્ડ્રુઝે વિમાનમાં સંભવિત ઇલેક્ટ્રિકલ ખામી તરફ ધ્યાન દોરતા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.અમદાવાદમાં સર્જાયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને છ મહિના વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારો હજુ પણ સત્ય અને વળતરની રાહ જાેઈ રહ્યા છે. આ પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા અમેરિકન વકીલ માઈક એન્ડ્રૂઝે તપાસની પ્રગતિ અને દુર્ઘટનાના સંભવિત કારણો અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
અમેરિકન વકીલ માઈક એન્ડ્રૂઝે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી પીડિત પરિવારોનો ઘા રુઝાશે નહીં. ઘણાં પરિવારો હજુ પણ તેમને વચન આપવામાં આવેલા વળતરની રાહ જાેઈ રહ્યા છે. કેટલાક પરિવારો તેમના પ્રિયજનોની યાદો ધરાવતી નાની અંગત વસ્તુઓ, જેમ કે ક્રેશ થયેલી ફ્લાઇટમાંથી મળેલા સામાનનો ટુકડો, મેળવવાની આશા રાખી રહ્યા છે, જે તેમના માટે પ્રિયજનોની છેલ્લી યાદ છે.
વિમાન દુર્ઘટનાની તપાસ અંગે, માઈક એન્ડ્રૂઝે કહ્યુ કે,એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં બહાર આવ્યા પછી આશા અને ચિંતા બંને વધી ગઈ છે. શરુઆતના દિવસોમાં આપઘાતના એન્ગેલની અટકળો સામે આવી હતી, જે પીડિત પરિવારો માટે ઝટકો હતો. આ અઠવાડિયે, ભારતીય તપાસ એજન્સી AAIB અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે વોશિંગ્ટનમાં કોકપીટ વોઇસ રૅકોર્ડર અને ફ્લાઇટ ડેટા રૅકોર્ડર સાંભળ્યું અને તેની સમીક્ષા કરી. આ રૅકોર્ડિંગ્સ સંભવત: તે અંતિમ ફ્લાઇટ વિશે સત્ય ધરાવે છે.
વકીલ માઈક એન્ડ્રૂઝે વિમાનમાં સંભવિત ઇલેક્ટ્રિકલ ખામી તરફ ધ્યાન દોરતા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, રેમ એર ટર્બાઇન(RAT)નું ટેકઓફ પછી તરત જ આપમેળે સક્રિય થવું અત્યંત અસામાન્ય છે. આવું સામાન્ય રીતે ત્યારે જ થાય છે જ્યારે વિમાનની ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાઈ હોય. એક બચી ગયેલા વ્યક્તિએ કેબિનની લાઇટ અચાનક બંધ થઈ જવાની અને પછી ફરી ચાલુ થવાની જાણ કરી હતી, જે પણ ઈલેક્ટ્રિકલ ફેલ્યોર તરફ ઇશારો કરે છે. મારી ટીમ બોઇંગ ૭૮૭ની ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં નવ-દસ વર્ષ પહેલાં જે ખામીઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, તે આ અકસ્માતનું મૂળ કારણ હોઈ શકે છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.
ભારપૂર્વક માઈક એન્ડ્રૂઝે જણાવ્યું કે, મારી ટીમ પુરાવા, ડેટા અને સત્યનો પીછો કરી રહી છે, જેથી પીડિત પરિવારોને ઝડપથી ન્યાય મળે અને તેઓ તેમના પ્રિયજનોના છેલ્લા શબ્દોને સમજીને રાહતનો શ્વાસ લઈ શકે.
ઉલ્લેખનીય છે કે, ૧૨મી જૂન ૨૦૨૫ના રોજ બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતાં વિમાન બી.જે. મેડિકલ કૉલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૨૬૦ લોકોના મોત થયા હતા. જેમાં ૨૪૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અને ૧૯ અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.




