
આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. પોતાના મતવિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા બાબતે મિડિયા સાથે વાત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં તેમના તારાંકિત પ્રશ્ન નંબર 23ના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે એક તરફ “ગુજરાત મોડલ” અને વિકાસની વાતો થાય છે, જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં હજારો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે મોટા સરકારી કાર્યક્રમોમાં નાસ્તા, મંડપ, સ્ટેજ અને ભીડ એકત્રિત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આંગણવાડીઓના બિલ, ગરમ નાસ્તા અને ફળોની ચૂકવણી માટે ગ્રાન્ટ નથી એવી દલીલ કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા 30 વર્ષમાં કુપોષણ દૂર કરવા માટે કોઈ સચોટ આયોજન કે અસરકારક કાર્યક્રમ અમલમાં મૂકાયો નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે બાળકો માટે આવતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સૂરપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા સાથે જોડતા ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ અંગે 21 ગામોની ગ્રામસભાઓએ ચાર વખત સર્વાનુમતે અસંમતિના ઠરાવો પસાર કર્યા છે. તેમ છતાં, આદિવાસી ખેડૂતોની જમીન યોગ્ય વળતર વિના સંપાદિત કરવાની પ્રક્રિયા ચાલતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે વિકાસના નામે એક ઇંચ પણ જમીન આપવામાં આવશે નહીં. ચૈતર વસાવાએ વધુમાં પ્રશ્ન નંબર 55 અંગે જણાવ્યું કે નર્મદાથી પાણી પુરવઠા માટે ઝરવાણી યોજના છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. 54 ગામોને પાણી આપવાનો દાવો કરીને કરોડો રૂપિયાના બિલ ચૂકવવામાં આવ્યા છે, છતાં એક પણ ગામને પાણી મળ્યું નથી. હાલમાં પણ તાત્કાલિક પાણી મળશે એવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ આ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. તેમણે આક્ષેપ કર્યો કે અનેક પાણી પુરવઠા યોજનાઓ કાગળ પર પૂર્ણ બતાવવામાં આવે છે, પરંતુ જમીન પર લોકોને તેનો લાભ મળતો નથી. સરકાર દ્વારા આ તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.




