
જિલ્લાના કલેકટરને સત્તા અપાઈ.બેન્કો, સરકારી સંસ્થાઓએ યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરી નહીં હોય તો ૧૦ હજારનો દંડ.સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા મહેસૂલ વિભાગના ૨૦૨૬ના જાહેરનામાના અનુસંધાને આ સૂચના જારી.મહેસૂલ વિભાગ દ્વારા સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્ય સહિતની અર્ધ સરકારી સંસ્થાઓ, બેન્કો, નોન બેન્કીંગ ફાયનાન્સિયલ કોર્પાેરેશન વિગેરેને પોતાના હક હોય તેવા દસ્તાવેજમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરાયેલી છે કે નહીં તેની ચકાસણી કરવા સૂચના આપ્યા બાદ દસ્તાવેજ મુજબ યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરી નહીં હોય તો જે તે સંસ્થા પાસેથી ૧૦ હજાર રૂપિયાનો દંડ વસૂલવાનું જાહેર કર્યું છે. સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા મહેસૂલ વિભાગના ૨૦૨૬ના જાહેરનામાના અનુસંધાને આ સૂચના જારી કરી છે. અગાઉ ૨ ફેબ્રુઆરીના જાહેરનામામાં સરકારી કચેરીઓ, અર્ધ સરકારી સંસ્થાઓ સહિતના બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ખાનગી, સહકારી અને સરકારી બેન્કો, નોન બેન્કીંગ ફાયનાન્સિયલ કોર્પાેરેશન વિગેરેએ પોતાના હક હોય તેવા દસ્તાવેજમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરાયેલી છે કે નહીં તેની ખાતરી કરવી પડશે તેમ જાહેર કર્યું હતું. આ માટે સંબંધિત સંસ્થાઓને સક્ષમ અધિકારીની નિમણૂક કરવા પણ જણાવ્યું હતું.
તે પછી ૧૯ ફેબ્રુઆરીએ તે સંદર્ભે નવી સૂચના જાહેર કરતા જણાવ્યું છે કે દસ્તાવેજ ઉપર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટીની જવાબદારી જે તે સંસ્થાની નક્કી કરી તેની જાેગવાઇનું પાલન કરવામાં ચૂક બદલ દંડ કરવાની સત્તા છે. એટલે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તેવા કિસ્સામાં દસ્તાવેજની મિલકત જે જિલ્લામાં હશે તે જિલ્લાના કલેકટર દ્વારા ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં જે તે સંસ્થાને ફટકારવામાં આવશે. સ્ટેમ્પ્સ કચેરી દ્વારા નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યૂટી તંત્રની કચેરીઓને જિલ્લાની તમામ સરકારી, સહકારી અને ખાનગી બેન્કો અને જે તે સંસ્થા-કચેરીમાં દસ્તાવેજ રજૂ થતા હોય તે તમામને પણ મહેસૂલ વિભાગનું જાહેરનામુ મોકલી આપવા જણાવાયું છે. તે ઉપરાંત નગરપાલિકાની તમામ કચેરીના પ્રાદેશિક કમિશનરો, વીજ કંપનીઓ, પ્રવાસન નિગમ, જીએનએફસી, જીએસએફસી, એસટી નિગમ, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ સહિત અનેક સરકારી સંસ્થાઓ અન્ય બોર્ડ-નિગમ વિગેરેને પણ કચેરી દ્વારા નકલ રવાના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે-તે સંસ્થાઓને બીજા વર્ગના અધિકારીને દસ્તાવેજ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવાઇ હોવાની ખરાઇ કરવા માટે નિયુક્ત કરવા સૂચના આપેલી છે.




