
વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ આ કાર્યક્રમ ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટર અને ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયો ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક અને વેગવંતી બનાવવાના ઉમદા હેતુથી આજે (૨૮મી ફેબ્રુઆરી) મહત્ત્વપૂર્ણ સોપાન સર કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આર્બિટ્રેશન સેન્ટરના નવા લોગોનું અનાવરણ કરવાની સાથે જ કેન્દ્રની રિ-ડિઝાઇન કરાયેલી વેબસાઇટ અને ન્યૂઝલેટરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાઓ પક્ષકારોને ટેકનોલોજીના માધ્યમથી ન્યાયિક માર્ગદર્શન મેળવવામાં સરળતા પૂરી પાડશે.
શિલાન્યાસ વિધિની સાથે જ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે ‘ઇન્સ્ટિટ્યુશનલ આર્બિટ્રેશન એટ અ ક્રોસરોડ્સ: ચેલેન્જીસ એન્ડ ધ વે ફોરવર્ડ’ વિષય પર બે દિવસીય મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટર અને ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
મુખ્ય અતિથિ સ્થાનેથી જસ્ટિસ સૂર્યકાંતે ભાર મૂકતા જણાવ્યું હતું કે, આપણે માત્ર કાગળ પરના નિયમોથી નહીં, પરંતુ પારદર્શક પ્રક્રિયા દ્વારા પક્ષકારોનો વિશ્વાસ જીતવો પડશે. ભારતે આર્બિટ્રેટર્સની ગુણવત્તા અને તાલીમમાં રોકાણ કરવું અનિવાર્ય છે જેથી આપણે વિશ્વ સ્તરના આર્બિટ્રેશન હબ બની શકીએ. નવી ડિજિટલ સુવિધાઓ ભારતની વિવાદ નિવારણ વ્યવસ્થાને વધુ સક્ષમ અને ભરોસાપાત્ર બનાવશે.
કાર્યક્રમના યજમાન અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે નિર્માણ પામનારા ભવનની વિશેષતાઓ જણાવતા કહ્યું કે, આ સેન્ટર સ્ટેટ-ઓફ-ધ-આર્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના કોન્ફરન્સ રૂમ, મીડિયેશન સેન્ટર અને આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવાશે. આ નવા ભવનના નિર્માણથી ગુજરાતમાં કાયદાકીય વિવાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે એક નવું પ્લેટફોર્મ તૈયાર થશે, જે કોર્ટ પરના કેસોનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થશે.
આ નવું ભવન આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરના કાયદાકીય વિવાદોના નિવારણ માટે તૈયાર કરવામાં આવશે. જેમાં નીચે મુજબની સગવડો હશે.
ભવનની અત્યાધુનિક વિશેષતાઓ
કોન્ફરન્સ રૂમ: ૧૬ આર્બિટ્રેશન કોન્ફરન્સ રૂમ, જેમાં દરેક સાથે ૨ બ્રેક-આઉટ રૂમની વિશેષ વ્યવસ્થા.
મીડિયેશન રૂમ: વિવાદોના સમાધાન માટે ૭ અલગ મીડિયેશન રૂમ.
ODR સિસ્ટમ: અત્યાધુનિક ઓનલાઇન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ, જેથી દૂર બેઠા પણ પક્ષકારો ન્યાયિક પ્રક્રિયામાં જાેડાઈ શકે. આ સેન્ટર કાર્યરત થવાથી કોર્ટ પરના કેસોનું ભારણ ઘટશે અને આઉટ-ઓફ-કોર્ટ સેટલમેન્ટ તેમજ આર્બિટ્રેશન પ્રક્રિયાને નવું બળ મળશે.




