
અલગ-અલગ જિલ્લાઓમાં ખરીદ કેન્દ્રો ફાળવાયા ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ આ વર્ષે કુલ ૨.૯૬ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવી છે
ગુજરાતમાં રવિ પાકની સિઝન પૂર્ણ થતા હવે સરકાર દ્વારા ટેકાના ભાવે (MSP) ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ૨૩ માર્ચ ૨૦૨૬થી રાજ્યભરમાં ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થશે. આ વર્ષે કુલ ૨.૯૬ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવી છે. આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.
રાજ્યભરમાં ખેડૂતોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ખેડૂતોએ કરાવેલી નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈને ચણાની ખરીદી માટે ૧૬૫ તથા રાયડાની ખરીદી માટે ૬૦ ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.
ચણા અને રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષે પુષ્કળ સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાં ચણા માટે ૨.૫૯ લાખથી વધુ તેમજ રાયડા માટે ૩૭,૦૦૦ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં જથ્થાની ખરીદી કરવામાં આવશે.
ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ વર્ષે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા છે. પ્રથમ વખત આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતની ઓળખ ચકાસવામાં આવશે. જાે ખેડૂત પોતે હાજર ન રહી શકે તેમ હોય, તો તેમના દ્વારા નિયુક્ત ‘નોમિની‘ પણ વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. ખરીદ કેન્દ્રો પર ભીડ ન થાય તે માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમને જીસ્જી મોકલીને ચોક્કસ તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ખેડૂતોએ આ નિયત સમયે જ પોતાના પાકનો જથ્થો લઈને કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.




