
હોસ્પિટલનું મકાન લાંબા સમયથી જર્જરિત.હોસ્પિટલનું મકાન લાંબા સમયથી જર્જરિત.જર્જરિત બિલ્ડિંગમાં જીવના જાેખમે સારવાર લેવા મજબૂર બન્યા દર્દીઓ.વડોદરા જિલ્લાના પાદરા નગરમાં આવેલી સરકારી હોસ્પિટલની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે. આજે હોસ્પિટલના દાંતના વિભાગમાં અચાનક છત પરથી પોપડા પડવાની ઘટના બની હતી. આ અકસ્માત સમયે તબીબ અને દર્દીઓ ત્યાં હાજર હોવા છતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
જાેકે, આ ઘટનાએ આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીનો ભાંડો ફોડી દીધો છે. મળતી માહિતી મુજબ, પાદરા સરકારી હોસ્પિટલનું મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. આજે સવારે જ્યારે દાંતના વિભાગમાં દર્દીઓની તપાસ ચાલી રહી હતી, ત્યારે અચાનક છત પરથી સિમેન્ટના મોટા પોપડા અને ગાબડા નીચે પડ્યા હતા. અચાનક થયેલા આ અકસ્માતથી હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને દર્દીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે પોપડા કોઈના માથા પર ન પડતા તબીબ અને દર્દીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.
સ્થાનિકો અને હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા અનુસાર, અગાઉ પણ હોસ્પિટલના અન્ય ભાગોમાં છત પરથી પોપડા પડવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સમારકામ કે નવી બિલ્ડિંગ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. હાલમાં હોસ્પિટલની સ્થિતિ એવી છે કે ડોક્ટરો અને દર્દીઓ બંનેએ જીવના જાેખમે સારવાર આપવા અને લેવા મજબૂર બનવું પડી રહ્યું છે.




