
ગુજરાતમાં બોગસ ડોક્ટરોનો રાફડો.૩ વર્ષમાં ૨૭૨૪ ફરિયાદ, તપાસમાં ૧૬૯ નકલી ડિગ્રી ધારકો ઝડપાયા.મહેસાણા, મોરબી, સુરત, નવસારીમાં કડક તપાસ સાથે એફઆઈઆર સુધીની કાર્યવાહી પણ નોંધાઈ હતી.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે અંતિમ દિવસે ગૃહમાં પ્રશ્નોત્તરીકાળમાં રાજ્યમાં બોગસ અને નકલી ડિગ્રી ધરાવતા ડોક્ટરોના રાફડો ફાટ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બોગસ અને નકલી ડિગ્રી ધરાવતા કુલ ૨૮૨૪ બોગસ ડોક્ટરોની ફરિયાદો મળી છે, જેઓની વિરુદ્ધ સરકાર દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.
વિધાનસભામાં સામે આવેલી માહિતી અનુસાર, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી એમ આ ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી મળી બોગસ ડોક્ટરો અંગે ઘણી બધી ફરિયાદો મળી આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં ૮૩૯, ૨૦૨૨માં ૮૭૫ અને વર્ષ ૨૦૨૩માં સૌથી વધુ ૧૦૧૦ ફરિયાદો મળી હતી. જેની તપાસ દરમિયાન જેમાં વર્ષ ૨૦૨૧માં ૫૯, ૨૦૨૨માં ૪૩ અને ૨૦૨૩માં (સપ્ટેમ્બર સુધી) ૬૭ મળી કુલ ૧૬૯ બોગસ અથવા નકલી ડિગ્રી ધરાવતા ડોક્ટરો મળી આવ્યા છે.
આ તમામ નકલી ડોક્ટરોની જિલ્લાવાર પરિસ્થિતિ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા, મોરબી અને સુરત જેવા જિલ્લાઓમાં તપાસની સંખ્યા ઘણી ઊંચી રહી છે. મહેસાણામાં ૫૬૮, મોરબીમાં ૫૭૭ અને સુરતમાં ૫૨૦ ફરિયાદો પર તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે કુલ ૧૬૯ ઝડપાયેલા ડોક્ટરોમાંથી ૧૫૪ સામે પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે.
જ્યારે અમદાવાદમાં ૩૫ ફરિયાદોની તપાસ કરતા કુલ ૧૧ બોગસ ડોક્ટરો પકડાયા હતા, તો નવસારીમાં સૌથી વધુ ૨૨૧ ફરિયાદોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં ખુલતા કાંડ મુજબ આવા બોગસ ડોક્ટરો સામે ગુના નોંધવામાં આવ્યા છે. તંત્રની કડક કાર્યવાહી અને નાસી છૂટેલા તત્વો અહેવાલો રજૂ કરતાં સરકારે જણાવ્યું હતું કે, તંત્રની ધાકને કારણે અનેક બોગસ ડોક્ટરો દવાખાના બંધ કરીને ફરાર થઈ ગયા છે.
વડોદરામાં તપાસ દરમિયાન ૩ ડોક્ટરો દવાખાના બંધ કરી પલાયન થઈ ગયા હોવાનું નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ તપાસ શરૂ થતા જ સંચાલકો દવાખાનું બંધ કરી નાસી છૂટ્યા હતા. તો સુરતમાં બોગસ ડોક્ટરો સામે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી, તેમને કોર્ટમાં હાજર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આમ, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના અનેક બોગસ ડોક્ટરો સરકારને હાથ લાગ્યા હતા.




