
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત ના વિવિધ શહેરોમાં યોજાનારી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ધ્વારા ૬૦ વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલાઓમાંથી એક પણ કોર્પોરેટર ને ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિયમ માત્ર સ્થાનિક કક્ષાએ જ નહી પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય માટે પણ ભાજપે લાગુ પાડવો જોઈએ. આ નિયમને કારણે પાર્ટી માટે જે કાર્યકરે પોતાની જિંદગીના વર્ષો ખર્ચી નાંખ્યા હોય, ઘર બાર છોડી પાર્ટીના પ્રચાર કાર્ય, બેનર બાંધવા-લગાવવા, ટેમ્પા, ટ્રકો ભરવા સુધી અને પાર્ટી માટે સતત સંધર્ષ કરતાં આવ્યા હોય તેવા કાર્યકર પોતાના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો ને ૬૦
વર્ષની ઉંમરના બહાના હેઠળ તેઓની આશા ઉપર પાણી ફેરવી દેવામાં આવેલ છે.
આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી માંથી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. અને તેઓએ દેશ હિત ખાતર એક પણ દિવસ રજા પાડયા વગર સતત સેવા કરી રહ્યા છે.ત્યારે તેઓએ ૭૫ વર્ષની ઉંમર વટાવી છે છતાં તેઓ ફિટ છે. અને દેશ સેવા કરી રહ્યા છે. અહી સવાલ એ ઊભો થાય છે કે જો ધારાસભ્યો અને રાજયસભા તથા લોકસભા ના સાંસદો ને ૬૦ વર્ષની વય મર્યાદાનો નિયમ લાગુ પડતો નથી ત્યારે જો ભાજપે ૬૦ વર્ષની વયમર્યાદા લાગુ પાડવી હોય તો સહુ માટે એક સરખી વયમર્યાદા લાગુ પાડવી જોઈએ. તેમાં ભેદભાવ કે પક્ષપાત ના હોવી જોઈએ. નિયમ બનાવનારાઓ માટે પણ નિયમનો કડકપણે અમલ થવો જોઈએ.
હવે વાત કરીએ ભાજપના સામાન્ય કાર્યકરની, જે સામાન્ય કાર્યકરે પક્ષની કામગીરી કરતાં-કરતાં ૬૦ વર્ષ કયારે પૂરા કરી દીધા છે તેની તેને પણ ખબર હોતી નથી. અને તેઓ પાર્ટી માટે જ્યારે તન-મન અને ધન થી સેવા કરી જ્યારે ટિકિટ માટે કોઈ દાવેદારી કરે ત્યારે તેઓને ઉંમરના બહાને તેમાંથી વંચિત રાખવામા આવે છે. જે કાર્યકરોએ વર્ષો સુધી ભાજપ પક્ષ માટે પોતાના બુટ- ચંપલ ઘસી નાંખ્યા હોય, રાત-દિવસ ના જોયા હોય, સી.એમ કે પી.એમ ની સભા હોય એ સભાઓમા માનવમેદની ભેગા કરવામાં જેનો અગ્રિમ ફાળો હોય એવા કાર્યકરોને સાચવવા ને બદલે પવન જોઈ ને સઢ ફેરવતા ખંધા ખાઈ બદેલા જાણે કે અહી નાવ ડૂબવાની છે ત્યારે ૬૦ વર્ષ અને ત્રણ ટર્મનો નિયમ બનાવી પાયા ના કાર્યકરોમાં છુપા આક્રોશનો પલીતો ચાપવાનું પાપ કર્યું છે. તેની સામે કાર્યકરોમાં ગંભીર નારાજગી
છે. અને આવી નારાજગી પાર્ટીના દેખાવ ઉપર પણ અસર પાડયા વગર રહેશે નહીં. ટૂંકમાં ઉમેદવારો માટે ભેદભાવ ઉંમર કે બીજી રીતે હોઈ શકે નહીં. સુરતના અનેક ઉમેદવારો કપાતા નારાજગી અને હતાશા અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે જો દેશના રાષ્ટ્રપતિ ૭૫ વર્ષ ઉપરના હોય, વડાપ્રધાન ૭૫ વર્ષ ઉપરના હોય, કેન્દ્રના કેબિનેટ મંત્રીઓ અને સાંસદો તેમજ ધારાસભાના મુખ્ય મંત્રી અને મંત્રીઓ જ્યારે ૭૫ વર્ષ વટાવી ગયા હોય ત્યારે માત્ર ને માત્ર નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ૬૦ વર્ષ અને ત્રણ ટર્મનો નિયમ શા માટે? આમ ભાજપે દેશના લોકો ના આક્રોશની સાથે સાથે પોતાની પાર્ટીના પાયાના એવા સક્રિય કાર્યકરોમાં પણ જ્યારે છુપા આક્રોશનું પણ સર્જન કર્યું છે ત્યારે બની શકે કે સદર આવનારી ચૂંટણીઓમાં દૂધ નો દાઝેલો છાશ ફૂંકીને પીવે તો નવાઈ નહીં! ઉપરાંત ક્રોસ વોટિંગથી પાર્ટીને પણ નુકશાન થવાનો એટલો જ સંભવ રહ્યો છે ત્યારે જોવાનું એ જ રહ્યું કે આગે-આગે ગોરખ જાગે એમ સુરત મહાનગરપાલિકાની તેમજ અન્ય ચૂંટણીઓમાં આવનારું પરિણામ ચૌ-ચૌ નો મુરબ્બો ના બની રહે એ જ નવાઈ નહીં!
હાલમાં જ્યારે ચૂંટણીપંચ ના આદેશ ને અનુસરી SIR ની કામગીરી ચાલી રહી છે જેમાં મતદારો ઓછા થયા છે અને ઓછા વધ્યા છે તેમજ જાતિગત સમીકરણ પણ બદલાયું છે એ મુદ્દો પણ આ ચૂંટણીઓ ના પરિણામો ઉપર એટલી જ અસર કરવાનો છે. એ નિર્વિવાદ છે.




