
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતમાં આજે ભગવાધારીઓ કેમ બદનામ થઈ રહયા છે? એ વિચારવા જેવો સવાલ છે ત્યારે એનો સીધો અર્થ એ થાય કે ભલી ભોળી પ્રજાને અને એમાય ખાસ કરી મહિલાઓને જો વિશ્વાસમાં લેવી હોય તો એનું એક માત્ર હથવગું હથિયાર છે. “ધર્મ” અને આ ધર્મના નામે તમે ભગવા પહેરો, ગળામાં બે ચાર માળાઓ પહેરો, લાંબી જટા અને લાંબી ભસ્મ લગાવી ટીલા ટપકા કરો એટલે તમે પૂજવા લાયક બની જાઓ અને પછી તમારી પર મુકાય અંધવિશ્વાસ અને એ મુકાયેલા અંધવિશ્વાસના સહારે તમને મળી જાય છે ઐયાસી કરવાનું જાણે કે લાયસન્સ? અને આવો જ એક ભગવાધારી સાધુ સુરતના ડીંડોલી વિસ્તારમાં ૨૦ થી ૨૫ વર્ષ પહેલા ભોંયરામાં આશ્રમ
બનાવી રહેતો હતો. એ બાવાને બધા ખડેશ્વર બાબા તરીકે ઓળખતા હતા. એ ખડેશ્વર બાબો ૨૪ કલાક ઊભો જ રહેતો હતો. અને એના માટે એના ભોંયરાના આશ્રમમાં આ દીવાલ થી પેલી દીવાલ સુધી લાંબુ દોરડું બાંધી ૨૪ કલાક ઊભો રહેતો હતો. એક બાજુ ઝુલો લટકાવી એની ઉપર અડધો પગ ઘૂંટણથી વાળી એ ઝુલા ઉપર મૂકતો અને એક પગ જમીન પર મૂકતો એથી એ ખડેશ્વર બાબા તરીકે ઓળખાતો હતો.
એની પાસે એક ખુલ્લી જીપ હતી એમાં વચ્ચે લાંબો સળિયો આજુબાજુ બે એંગલ ઉપર ફીટ કરાવી એમાં ઝુલો રાખી બાબો ઊભો ઊભો નીકળતો હતો. આ ખડેશ્વર આમ તો ભગવો પહેરતો એટલે લોકો એને સાધુ કહેતા પરંતુ ખરેખર તો એ સાધુ ના વેશમાં એક શેતાન થી ઓછો નહિ હતો. આ ખડેશ્વર બાબાના ગોરખધંધા પણ કેવા? એની પાસે રિવોલ્વર હતી. અરે? ભાઈ સાધુ બાવાઓને
હથિયાર ની શું જરૂર? છતાં એ રિવોલ્વર રાખતો એવા આ સાધુના વેશમાં છુપાયેલા ભગવાધારી શેતાને ભટાર રોડ ના જાણીતા મારબલના વેપારી જેઓ જડાવ મારબલના નામે ધંધો કરતાં હતા . એ જડાવ મારબલના માલિક તેજપાલ વર્મા ઉપર આ ભગવાધારી ખડેશ્વર એ સીધું ફાયરિંગ કર્યું હતું. પરંતુ સદનસીબે તેજપાલ વર્મા માંડ-માંડ બચી ગયા હતા. અને ફાયરિંગ નું કારણ હતું કોઈ જમીનના વિવાદમાં તેજપાલ વર્મા ખડેશ્વર બાબા સાથે કોઈ બાબતે સહમત નહીં થતાં ખડેશ્વર એ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી તેજપાલનું ઢીમ ઢાળી દેવા પ્રયાસ કર્યો હતો. જે સદંતર નિષ્ફળ ગયો હતો.
આ રીતે ખડેશ્વર ભગવો ધારણ કરી શેતાનને પણ શરમાવે એવા કૃત્યો કરતો હતો. એ મુખ્યત્વે જમીનના વિવાદોમાં સેટલમેન્ટ કરાવવા પોતાના ભોંયરા જેવા આશ્રમનો ઉપયોગ કરતો અને જો કોઈ સામેવાળો આનાકાની કરે તો સામે પડેલી રિવોલ્વર બતાવી ધાકધમકી આપી ને પતાવત કરવાની વાત કરતો હતો. અને કોઈપણ હિસાબે પતાવતો કરાવી મોટી રકમો ખંખેરી લેતો હતો. અને વાત બગડે તો ફાયરિંગ પણ કરતો હતો. આજે પણ સુરત શહેર, જિલ્લાના વિવિધ સ્થળો જેવા કે અમરોલી, મોરાટેકરા, ઓલપાડ રોડ,
જહાંગીરપુરા, કામરેજ, ઉધના મેઇન રોડ વિગેરે માં આવા અનેક આશ્રમો ધમધમી રહ્યા છે. જ્યાં મોટા મોટા પોલીસ અધિકારીઓ, બિલ્ડરો, રાજકારણીઓ અને વેપારીઓની સાથે સાથે સામાન્ય લોકો પણ આવા ભગવાધારીઓમાં અંધશ્રધ્ધા રાખીને પોતે તો ઠીક પરિવારને પણ પાયમાલ કરવા સુધી પહોંચી જવાની નોબત પર આવી ગયા છે.
અહી સવાલ એ છે કે જો તમે સાચે જ સનાતની છો તો સાચા ધર્મનું આચરણ કરો તમારે આ સાધુનો વેશ પહેરી, ગળામાં માળા, મોટી મોટી દાઢી, મોટી જટા આવા દેખાવો કરવાની શું જરૂર છે? આ તો સનાતન ધર્મનું ખુલ્લેઆમ અપમાન કરો છો.આ તો ધર્મને બદનામ કરો છો. જો તમારે ભગવા પહેરી ભૌતિક સુખ સંપતિના સાધનો જેવા કે એસી કાર, એસી રૂમ, લકઝૂરીયસ આશ્રમની જરૂર હોય તો ઉતારી દો ભગવા અને બની જાઓ વેપારી કે સામાન્ય માનવી પણ એ નથી કરવું. બસ ભગવા પહેરી ખોટા કામો કરવા છે. મહિલાઓનું યૌન શોષણ કરી વિકૃત સેકસનો આનંદ લેવો છે. ત્યારે તમારા જેવા ભગવાધારીઓ કરતાં તો ડાકુઓ લાખ દરજે સારા કે
ખુલ્લે આમ ખોટા કામ કરે છે. સાથે મહિલાઓની પણ એટલી જ ઇજ્જત કરે છે .પણ ધર્મ ને બદનામ તો નથી કરતાં. અંતમાં આજે પણ કેટલાય ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, માફિયાઓ જમીનોની ફાઈલો લઈને આવા ભગવાધારીઓના આશ્રમોમાં જઈ ને સેટલમેન્ટ કરાવે છે. અને આવી કેટલીય ફાઈલોથી ભગવાધારીઓના આશ્રમોમાં કબાટો ભરેલા છે ત્યારે આપણને વિચાર થાય કે આટલો ભણેલો, ગણેલો વર્ગ, સમાધાન માટે પાંચ વેપારીઓને બેસાડે કે સમાજના મોટા મોટા આગેવાનોને ભેગા કરી પ્રશ્નનો નિવેડો લાવી શકે છે. અથવા કોર્ટ છે, પોલીસ છે આવી કાયદેસરની કાનૂની પ્રક્રિયા કરનારી સંસ્થાઓમાં જવાને બદલે ભગવાધારીઓના આશ્રમોમાં જાય છે ત્યારે સવાલ એ પણ થાય કે શું કોર્ટ કચેરીને તાળાં મારી દેવા અને ભગવાધારીઓના શરણે જવું? કે જ્યાં “ધર્મ” ના
નામે “અધર્મ” નું આચરણ કરી ધાકધમકી અને અપહરણ, બળાત્કાર અને હત્યાની જ માત્ર વાતો થતી હોય ત્યાં જવું? જનતાએ વિચારવાનો સમય આવી ગયો છે.




