
કપડાં બાબતે થયેલા વિવાદે હિંસક વળાંક લીધો પત્નીએ સાડીના બદલે પહેરી લીધું નાઈટડ્રેસ, પતિએ સળગાવી દીધી પતિએ ગુસ્સામાં પત્ની પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી, જેના કારણે તે ૮૦% દાઝી ગઈ હતી
કર્ણાટકના બેલગાવી જિલ્લામાંથી એક અત્યંત સનસનાટીભર્યો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પતિએ પત્નીના કપડાં બાબતે થયેલા વિવાદમાં તેને જીવતી સળગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પતિને પત્ની સાડીને બદલે નાઈટ ડ્રેસ પહેરે તે નહોતું ગમતું, જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
જાણવા મળતી માહિતી મુજબ, આ ઘટના મંગળવારે રાત્રે ખાનાપુર તાલુકાના નંદગઢ ગામમાં બની હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ ૩૪ વર્ષીય કૃષ્ણા પાટીલ તરીકે થઈ છે, જ્યારે પીડિતા તેની ૩૨ વર્ષીય પત્ની મંજુલા પાટીલ છે.
ઘટનાના દિવસે પણ બંને વચ્ચે આ જ બાબતે બોલાચાલી થઈ હતી, જેણે જાેતજાેતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપ છે કે, ગુસ્સામાં આવીને કૃષ્ણા પાટીલે પોતાની પત્ની પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. આ હુમલામાં મંજુલા પાટીલ આશરે ૮૦ ટકા જેટલી દાઝી ગઈ હતી.
તેને પહેલા બેલગાવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (BIMS)માં દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાલત ગંભીર હોવાને કારણે બાદમાં વધુ સારી સારવાર માટે ગોવાની એક હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. પોલીસે નંદગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.



