
ફેક્ટરીમાં બ્લાસ્ટથી ભયાવહ દ્રશ્યો સર્જાયા ચીનના લિયુઆંગમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ ધડાકો થયો અધિકારીઓએ ફેક્ટરીના ૩ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોને પણ ખાલી કરાવ્યા છે, કારણ કે ત્યાં આવેલા બે ગોડાઉનમાં રાખેલા વિસ્ફોટક પદાર્થો હજી પણ જાેખમરૂપ બની શકે છે ચીનના લિયુઆંગ શહેરમાં એક ફટાકડાની ફેક્ટરમાં વિસ્ફોટ થતા ૨૧ લોકોના મોત થયા છે જ્યારે ૬૧ લોકો ઘાયલ થયા અંગેના સમાચાર સામે આવી રહ્યાં છે. આ દુર્ઘટના સોમવારે સાંજે આશરે ૫ વાગ્યે લિયુયાંગ હુઆશેંગ ફાયરવર્ક્સ મેન્યુફેક્ચરિંગ ડિસ્પ્લે કોર્પોરેશન્સ નામની ફેક્ટ્રીમાં સર્જાઈ હતી, જે ગુઆંડૂ ટાઉનશિપમાં આવેલી છે. વિસ્ફોટ બાદ તરત જ બચાવ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
લિયુયાંગ શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જાેરદાર વિસ્ફોટ બાદ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ લગભગ ૫૦૦ બચાવકર્મીઓને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે અને જાેખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ ફેક્ટરીના ૩ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોને પણ ખાલી કરાવ્યા છે, કારણ કે ત્યાં આવેલા બે ગોડાઉનમાં રાખેલા વિસ્ફોટક પદાર્થો હજી પણ જાેખમરૂપ બની શકે છે.
આ વિસ્ફોટ લિયુયાંગ હુઆશેંગ ફાયરવર્ક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિસ્પ્લે કોઓપરેશનની એક વર્કશોપમાં થયો હતો, જે આ વિસ્તારમાં ફટાકડા ઉત્પાદન માટે જાણીતું છે. ઘટનાના પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી ઘાટો સફેદ ધૂમાડો ઉડતો જાેવા મળ્યો હતો. વિસ્ફોટની અસર આસપાસના ગામડાંઓ સુધી પહોંચી હતી. ઘણા ઘરોના દરવાજા અને બારી તૂટી ગઈ હતી, રસ્તા પર કચરો અને મોટા પથ્થરો ફેલાઈ ગયા હતા. સુરક્ષાની ચિંતા વચ્ચે ઘણા ગ્રામજનોએ પોતાના ઘરો છોડી બહાર નીકળી ગયા હતા.
ચીનના પ્રમુખ શી જિનપિંગે આ ઘટનાની તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. તેમણે ગુમ થયેલા લોકોની શોધ ઝડપી કરવા અને ઘાયલોના યોગ્ય ઈલાજની વ્યવસ્થા કરવા કહ્યું છે. સાથે જ તેમણે ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થા અને જાેખમ નિયંત્રણ વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. મિનિસ્ટ્રી ઓફ ઈમર્જન્સી મેનેજમેન્ટે પણ બચાવ કામગીરીની દેખરેખ માટે પોતાની ટીમ મોકલી છે. બીજી તરફ, પોલીસએ તપાસના ભાગરૂપે કંપનીના વરિષ્ઠ અધિકારીઓને કસ્ટડીમાં લીધા છે. રાહત કામગીરી દરમિયાન વધુ કોઈ વિસ્ફોટ ન થાય તે માટે ફાયર બ્રિગેડ પાણીનો છંટકાવ કરી રહી છે અને શોધ કામગીરીમાં ત્રણ રોબોટ્સ પણ લગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા હુબેઈ પ્રાંતમાં પણ આવું જ વિસ્ફોટ થયું હતું જેમાં ૧૨ લોકોના મોત થયા હતા, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા છે.



