
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક વ્હાઈટ હાઉસ પાસે એનકાઉન્ટર બાદ લોકડાઉન હુમલાખોર પર પહેલાથી જ નજર રાખવામાં આવી રહી હતી અને ઘટનાસ્થળેથી એક હથિયાર પણ મળી આવ્યું છે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ પાસે શંકાસ્પદ હથિયારધારી વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ વળતો જવાબ આપીને હુમલાખોરને ઠાર માર્યો હતો, જેના કારણે વ્હાઇટ હાઉસમાં થોડા સમય માટે લોકડાઉન લગાવવાની ફરજ પડી હતી.
અમેરિકાના સમય મુજબ બપોરે ૩:૩૦ વાગ્યે વ્હાઇટ હાઉસની બહારના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સીક્રેટ સર્વિસના જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને જાેયો હતો. જ્યારે અધિકારીઓએ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વ્યક્તિ ભાગવા લાગ્યો અને અચાનક બંદૂક કાઢીને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષાકર્મીઓએ પણ ગોળીબાર કર્યો હતો, જેમાં તે વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ગોળીબાર દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક સગીર રાહદારી (બાળક) પણ ઇજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, બાળકને શંકાસ્પદ હુમલાખોરની ગોળી વાગી હતી, જાેકે તેની ઈજા ગંભીર નથી અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. સીક્રેટ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલાખોર પર પહેલાથી જ નજર રાખવામાં આવી રહી હતી અને ઘટનાસ્થળેથી એક હથિયાર પણ મળી આવ્યું છે. મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ હવે આ ઘટનાની તપાસ કરશે.
વ્હાઇટ હાઉસ પાસે થયેલા ફાયરિંગ બાદ સુરક્ષાના કારણોસર ત્યાં તાત્કાલિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું અને પત્રકારોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જાેકે, સુરક્ષા એજન્સીઓએ ગણતરીની મિનિટોમાં જ સ્થિતિ પર કાબૂ મેળવી લેતા લોકડાઉન હટાવી લેવાયું હતું.
આ ઘટના બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે વોશિંગ્ટન હવે સુરક્ષિત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરનું નિશાન પ્રમુખ ટ્રમ્પ કે વ્હાઇટ હાઉસ હોય તેવા કોઈ પુરાવા હાલમાં મળ્યા નથી.



