
શાંતિ મંત્રણાની વાટાઘાટો વચ્ચે અમેરિકન પ્રમુખની ધમકી ઇરાન શરતો ન સ્વીકારે તો બોમ્બ વરસાવીશું: ટ્રમ્પ ઈરાન, સમજૂતી કરાર પર હસ્તાક્ષર માટે ટૂંક સમયમાં ઈરાન-યુએસ પ્રતિનિધિઓ વચ્ચે બેઠકની શક્યતા: ટ્રમ્પ પશ્ચિમ એશિયામાં તણાવનો અંત લાવવાના સંકેત આપતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતું કે, નિર્ધારિત શરતોને ઈરાન સ્વીકારી લે તો અમેરિકાના ‘ઓપરેશન એપિક ફ્યુરી’ને સમાપ્ત કરવામાં આવશે અને હોર્મુઝની ખાડીમાં લાગેલા સૈન્ય પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, અગાઉ નક્કી થયેલી શરતોનો ઈરાન સ્વીકાર ન કરે તો અમેરિકાની સૈન્ય કાર્યવાહી વધારે આક્રમક અને સઘન થશે. અગાઉ કરતાં ઘણાં વધારે તીવ્ર અને મોટા પાયે ઈરાન પર બોમ્બમારો થશે. આની સાથે જ અમેરિકી નાકાબંધીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ઇરાનના એક જહાજ પર અમેરિકી સેનાએ ફાયરિંગ કર્યું હતું. યુએસ મીડિયા રિપોર્ટ મુજબ, વ્હાઈટ હાઉસ અને ઈરાન વચ્ચે સમજૂતીની શક્યતાઓ સર્જાઈ છે. ૧૪ મુદ્દા આધારિત પ્રસ્તાવ ઈરાનને મોકલવામાં આવ્યો છે અને આગામી ૪૮ કલાકમાં ઈરાનની પ્રતિક્રિયાની રાહ જાેવાઈ રહી છે. પ્રસ્તાવમાં મુખ્યત્વે વાટાઘાટો માટે ૩૦ દિવસની સમય મર્યાદા રાખવામાં આવી છે. આ ઉપરાંત ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ અને અમેરિકાએ લાદેલા પ્રતિબંધોમાં રાહત જેવા મુદ્દાઓ સામેલ છે. ઈરાન પર હુમલા શરૂ કર્યા તે પહેલાથી ટ્રમ્પ યુરેનિયમના જથ્થા પર નિયંત્રણ ઈચ્છે છે અને પરમાણુ કાર્યક્રમો પર રોક લગાવવા માગે છે. સમજૂતી કરાર માટે નક્કી થયેલા મુદ્દાઓમાં ટ્રમ્પે ઈરાન પાસેથી યુરેનિયમનો જથ્થો માગ્યો હતો અને ૨૦ વર્ષ સુધી પરમાણુ શસ્ત્રો નહીં વિકસાવવાની બાંયધરી ઈરાન પાસે માગી હતી. જાે કે અમેરિકાએ મોકલેલા પ્રસ્તાવમાં યુરેનિયમ સંવર્ધનને લાંબા સમય સુધી રોકવાનો અને સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષણમાં ચુસ્ત સલામતી નિયમો લાદવાનો સમાવેશ પણ થાય છે. અમેરિકા તરફથી શાંતિ પ્રસ્તાવ મળ્યો હોવાનું સ્વીકારતાં ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે, પ્રસ્તાવની સમીક્ષા થઈ રહી છે. એક પાનાના સમજૂતી મુદ્દાઓમાં યુદ્ધનો અંત લાવવાનો અને હોર્મુઝની ખાડી ખોલવાનો સમાવેશ થાય છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમો જેવા જટિલ મુદ્દાઓને પાછળના તબક્કામાં રાખવામાં આવશે. વાટાઘાટો માટે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાન મારફતે ટૂંક સમયમાં ઈરાન તરફથી જવાબ મોકલવામાં આવશે. ટ્રમ્પે બીજા તબક્કાની વાટાઘાટો શરૂ થવાની આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, સમજૂતી કરાર પર હસ્તાક્ષર માટે બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે ટૂંક સમયમાં રૂબરૂ બેઠક થઈ શકે છે.ઈરાનના નિકટના મિત્ર ચીને હોર્મુઝની ખાડી ફરી ખોલવા દબાણ વધાર્યું છે. પરમાણુ શસ્ત્રો નહીં વિકસાવવા ઈરાને આપેલી ખાતરીની પ્રશંસા કરતાં ચીને શક્ય તેટલી વહેલી તકે હોર્મુઝની ખાડી ખોલવા ભલામણ કરી હતી. ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે ટેલિફોન પર વાત થઈ હતી. આ અંગે માહિતી આપતા વાંગ યીએ જણાવ્યુ હતું કે, હોર્મુઝની ખાડી સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા એક સરખી છે. હોર્મુઝમાંથી જહાજાેની અવર-જવર પુન: સામાન્ય બને અને સલામતી જળવાય તે જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની લાગણીને ધ્યાને રાખી સંબંધિત પક્ષો યોગ્ય ઉકેલ લાવે તે જરૂરી છે.



