
૪ વર્ષથી એક્ઝિટ ટેસ્ટ ઘોંચમાં.ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન.ડિપ્લોમા ફાર્મસીના બે વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓનું જે તે રાજ્યની કાઉન્સિલમાં ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન થતુ હોય છે.
ફાર્મસી કાઉન્સિલે ૨૦૨૨માં ડિપ્લોમા ફાર્મસી પાસ વિદ્યાર્થીઓના ફાર્મસિસ્ટ તરીકેના રજિસ્ટ્રેશનમાટે ફાર્મસી એક્ઝિટ ટેસ્ટનો નિયમ લાગુ કર્યા બાદ ૨૦૨૪માં પહેલીવારની એક્ઝિટ ટેસ્ટ લેવાનાર હતી. પરંતુ પરીક્ષાના પેપરો અને પરીક્ષા ફી મુદ્દે ઉગ્ર વિરોધ સાથે વિવાદ ઊભો થતા અંતે છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી. કેન્દ્ર સરકારે હજુ સુધી બે વર્ષ પણ આ પરીક્ષામાં ફેરફાર મુદ્દે કોઈ ર્નિણય લીધો નથી. જેથી ચાર વર્ષથી ઘોંચમાં પડેલી આ પરીક્ષા હવે ક્યારે લેવાશે અને લેવાશે કે નહીં તે પણ નક્કી નથી.અગાઉ કાઉન્સિલના આદેશથી ૨૦૨૨-૨૩ની બેચના વિદ્યાર્થીઓનું પરીક્ષા વિના રજિસ્ટ્રેશન કરાવાયા બાદ હવે તમામ બેચના વિદ્યાર્થીઓનું પણ પરીક્ષા વિના રજિસ્ટ્રેશન કરી દેવાશે.ડિપ્લોમા ફાર્મસીના બે વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓનું જે તે રાજ્યની કાઉન્સિલમાં ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન થતુ હોય છે. આ રજિસ્ટ્રેશન નંબર એટલે કે લાયન્સ મળ્યા બાદ જ તેઓ ફાર્મસી કે મેડિકલ સ્ટોર શરૂ કરી શકે અથવા તો ફાર્મસિસ્ટ તરીકેની નોકરી-વ્યવસાય કરી શકે છે. પરંતુ ફાર્મસિસ્ટના વ્યવસાયમાં ગુણવત્તા અને માપદંડો જળવાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ લાગુ કરવાનો ર્નિણય લેવાયો હતો. જેના પગલે ૨૦૨૨માં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા આ માટે વિધિવત રીતે રેગ્યુલેશન્સ તૈયાર કરીને જાહેર કર્યા હતા. જે અંતર્ગત પ્રથમવારની ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ ઓક્ટોબર ૨૦૨૪માં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવામા આવનાર હતી. બોર્ડ દ્વારા રજિસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યુ હતુ અને ગુજરાતના ૫૩૬ સહિત દેશભરના ૧૮૨૪૩ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. પરંતુ ત્રણ પેપરો અને પાંચ હજાર જેટલી ઊંચી પરીક્ષા ફી મુદ્દે ઉગ્ર વિરોધ અને વિવાદ થતા કેન્દ્રને રજૂઆત થઈ હતી.જેને પગલે અંતે પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી અને ત્યારબાદ કાઉન્સિલે એક વર્ષની છુટ પરીક્ષા વિના રજિસ્ટ્રેશનની આપી હતી. કેન્દ્ર સરકારે કોઈ ર્નિણય ન કરતા ફાર્મસી કાઉન્સિલે ગત ડિસેમ્બરમાં ૨૦૨૨-૨૩ના વર્ષમાં ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ લેનારા અને તે પછીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ એક્ઝિટ ટેસ્ટ ન લેવાય ત્યાં સુધી પાસ થઈ જાય તો તેઓને એક્ઝિટ ટેસ્ટ વિના રજિસ્ટ્રેશન નંબર આપી દેવા માટે રાજ્યોની કાઉન્સિલોને પરિપત્ર કર્યાે હતો. આમ ૨૦૨૨થી ૨૦૨૪ના તેમજ ૨૦૨૩થી ૨૦૨૫ સુધીના અને ૨૦૨૪થી ૨૦૨૬ સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ રજિસ્ટ્રેશન નંબર મળી જશે. ચાર વર્ષથી ઘોંચમાં પડેલી આ પરીક્ષા હવે ક્યારે લેવાશે તે મોટો પ્રશ્ન છે.



