
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુન્હેગારોના વરઘોડા તો નીકળશે જ, લંગડા પગે તો ચાલવું જ પડશે. આવી બેફામ વાણી જાહેરમાં ઉચ્ચારનારા રાજ્યના બહુબોલકા ગૃહમંત્રીને જાણે કે ગુન્હેગારો ચેલેન્જ ફેંકતા હોય એમ ભાજપના જ મહિલા નેતાના એકના એક પુત્રને ઉધના રોડ નંબર ૬ ઉપર અડધી રાત્રે જાહેરમાં રહેંસી નાંખી ગુન્હેગારોએ ગૃહમંત્રી એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત પોલીસ તંત્રને જાણે કે ચેલેન્જ કરી બતાવી દીધું છે કે જો ભાજપના જ નેતાના પુત્રની આ હાલત અમે કરીએ છીએ તો સામાન્ય માણસની શું વિસાત? આવો ગર્ભિત ભય પ્રજામાં આજની તારીખે વ્યાપેલો છે ત્યારે અહીં પ્રજાની સુરક્ષા અંગે સવાલો ઉભા તો જરૂર થાય છે.
સુરતના ઉધના રોડ નંબર ૬ ઉપર ભાજપના યુવા કાર્યકર જય દલાલની રાત્રે 12:30 વાગ્યાની આસપાસ તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવતા સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મરનાર જય દલાલની માતા જયશ્રીબેન દલાલ પોતે પણ વોર્ડ નંબર ૨૭ માં ભાજપના સક્રિય મહિલા કાર્યકર છે. અને ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીકના ગણાવાની સાથે ધારાસભ્ય સાથે સક્રિય રહી સંગઠનમાં કાર્યરત પણ છે.
આ બાબતે સુરતના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) ચિરાગ વડોદરિયાએ જણાવ્યું હતું કે “રવિવારે રાતે BJPના યુવા મોરચાના પ્રમુખ જય દલાલ અને તેના મિત્રો ભંગાર ની દુકાન પાસે ઉભા હતા ત્યારે કિશન ઉર્ફે ચકલી પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી ટુ-વ્હીલર પર આવ્યા હતા. આ ત્રણે જણે જયને ચપ્પુના ઘા માર્યા હતા. જયને હોસ્પિટલમાં લઈ જતાં સારવાર દારમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક રીતે એવું જણાઈ આવ્યું છે કે ૩ મહિના પહેલાં જય અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એને લઈને આ હત્યા થઈ હોવાનું પણ માનવામાં આવે છે.
વધુમાં આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર ગુન્હેગારોને શંકા હતી કે મરનાર જયે પોતાને (ગુન્હેગારો)ને પાસા કરાવ્યા હતા. એ પણ એક કારણ હતું. ઉપરાંત ત્રણેક માસ પહેલા મોપેડનું વ્હીલ વાગતા થયેલો ઝઘડો પણ શંકાનું કારણ છે. આ ઉપરાંત જ્યાં આ ભાજપના યુવા નેતાની હત્યા થઈ એ ઉધના રોડ નંબર-૬ ભંગારની દ્દુકાન પાસે આશરે પાંચેક માસ પહેલા દારૂ નો ધંધો શરૂ થયો હતો. જે એકાએક બંધ પણ થઈ ગયો હતો. જેમાં એવી ચર્ચા એ પણ જોર પકડયુ છે કે એમાં મરનાર જયનું હિત હતું. જો કે આ એક ચર્ચા જ છે. હાલમાં તો ઉધના પોલીસ આ બાબતે ગંભીરતા પૂર્વક તપાસ કરી રહી છે.



