
વેરાવળ રેન્જની ટીમનું સચોટ આયોજન વેરાવળના નવાપરા ગામે કુવામાં ખાબક્યો દીપડો ભારે જહેમત અને ટેકનિકલ કુશળતાના કારણે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના કુવામાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો
વેરાવળ પંથકમાં વન્યપ્રાણીઓ અવારનવાર માનવ વસ્તી તરફ ચઢી આવતા હોય છે, ત્યારે વેરાવળ નજીક આવેલા નવાપરા ગામેથી એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. અહીના એક ખેડૂતના ખેતરમાં ખુલ્લા કુવામાં એક દીપડો ખાબક્યો હોવાની વિગત પ્રકાશમાં આવી હતી. સવારે ખેડૂત પોતાના ખેતરે કામ અર્થે ગયો ત્યારે કુવામાંથી અવાજ આવતા તેણે અંદર જાેયું હતું, જ્યાં દીપડો પાણી અને દીવાલ વચ્ચે ફસાયેલો જાેવા મળ્યો હતો. ખેડૂતે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સ્થાનિક વન વિભાગને આ અંગે ટેલિફોનિક જાણ કરી હતી.દીપડો કુવામાં હોવાના સમાચાર મળતા જ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની રેસ્ક્યૂ ટીમ જરૂરી સાધનો, દોરડા અને ખાસ પાંજરા સાથે તાત્કાલિક નવાપરા ગામે દોડી આવી હતી. વન વિભાગે જાેયું કે કુવામાં પડેલો દીપડો ઘણો નાનો છે, તેની ઉંમર અંદાજે ૭ મહિનાથી એક વર્ષની આસપાસ છે. નાની ઉંમરનો હોવાથી દીપડો ગભરાયેલો હતો. વન વિભાગે સ્થાનિક લોકોની ભીડને દૂર કરી કુવામાં સાવચેતીપૂર્વક ખાટલો અથવા પાંજરું ઉતારીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને ટેકનિકલ કુશળતાના કારણે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના કુવામાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
કુવામાંથી બહાર કાઢ્યા બાદ દીપડાને કોઈ આંતરિક ઈજા થઈ છે કે કેમ અને તે તણાવના કારણે અસ્વસ્થ છે કે નહીં તેની તપાસ કરવા માટે તેને તાત્કાલિક અસરથી ‘અમરાપુર એનિમલ કેર સેન્ટર‘ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ત્યાં પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ દીપડાની યોગ્ય સારવાર અને મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને સંપૂર્ણ સ્વસ્થ જાહેર થયા બાદ તેને ફરી કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પુરાતા અને વન વિભાગની સતર્કતાના કારણે તેનો જીવ બચી જતાં વનપ્રેમીઓ અને નવાપરા ગામના સ્થાનિક લોકોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે.



