
કેનેડાના પાઈલટ પર ગંભીર આરોપ ફેક લાયસન્સના સહારે ૧૬ વર્ષ સુધી ૯૦૦ ફ્લાઈટો ઉડાવી પીલ રિઝનલ પોલીસે “પ્રોજેક્ટ ઈકારસ” નામના ઓપરેશન હેઠળ તપાસ હાથ ધર્યા બાદ ૧ જૂનના રોજ વૉલની ધરપકડ કરાઈ જાે કોઈ વ્યક્તિ કાર ચલાવવા માટે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ વિના પકડાય જાય, તો તેને ભારે દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ કેનેડામાં સામે આવેલો એક કિસ્સો આના કરતાં ક્યાંય આગળનો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે એર કેનેડાના પૂર્વ કેપ્ટન ૫૯ વર્ષીય જ્યોફ્રી વૉલે લગભગ ૧૬ વર્ષ સુધી મોટા પેસેન્જર વિમાનો ઉડાવ્યા, જ્યારે કે તેની પાસે તે પદ માટે અનિવાર્ય એવું એરલાઈન ટ્રાન્સપોર્ટ પાઈલટ લાયસન્સ (ATPL) હતું જ નહીં.
પીલ રિઝનલ પોલીસે “પ્રોજેક્ટ ઈકારસ” નામના ઓપરેશન હેઠળ તપાસ હાથ ધર્યા બાદ ૧ જૂનના રોજ વૉલની ધરપકડ કરવામાં આવી છે. તપાસકર્તાઓનું કહેવું છે કે વૉલે વર્ષ ૧૯૯૮માં એવિએશન ક્ષેત્રે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ૨૦૦૯માં તેઓ કેપ્ટન બન્યો હતો. આ જ પદ પર નિમણૂક મેળવવા માટે ATPL જરૂરી હતું, પરંતુ આરોપ છે કે તેમણે બોગસ દસ્તાવેજાેનો ઉપયોગ કરીને આ હકીકત છુપાવી હતી.
પોલીસનું કહેવું છે કે, વૉલે કથિત રીતે એર કેનેડા અને ટ્રાન્સપોર્ટ કેનેડાને બોગસ લાયસન્સ બતાવીને ગુમરાહ કર્યા હતા. એટલું જ નહીં તપાસ દરમિયાન તેમણે પોલીસને પણ ભ્રામક માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૦૯થી ૨૦૨૫ વચ્ચે વૉલે ૯૦૦થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોમાં કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી.
આ દરમિયાન તેણે બોઈંગ ૭૬૭, ૭૭૭ અને ૭૮૭ જેવા મોટા વિમાનો ઉડાવ્યા હતા અને હજારો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન તેમણે અંદાજે ૩૦ લાખ કેનેડિયન ડોલરનો પગાર પણ મેળવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે વૉલ માત્ર પાયલટ જ નહોતો. પોતાના ૨૭ વર્ષના લાંબા કરિયર દરમિયાન તેણે એર કેનેડા પાઈલટ્સ એસોસિએશનમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા અને સંસ્થાની સર્વોચ્ચ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ પણ બન્યા. ગયા વર્ષે ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર નિયમિત ચકાસણી દરમિયાન ટ્રાન્સપોર્ટ કેનેડાને તેમના દસ્તાવેજાેમાં ગેરરીતિઓ માલૂમ પડતાં આ સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.
જાેકે, એર કેનેડાનું કહેવું છે કે, મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં નથી આવ્યું. અમારા તમામ પાઈલટ્સ દર ૬ મહિને ક્ષમતા પરીક્ષણ અને દર વર્ષે ફ્લાઇટ મૂલ્યાંકનમાંથી પસાર થાય છે. કંપનીનો દાવો છે કે, વૉલ પાસે માન્ય કોમર્શિયલ પાઈલટ લાઈસન્સ હતું અને તેમણે તમામ ટેકનિકલ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમ છતાં, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, લાયસન્સિંગના નિયમો ચોક્કસ કારણોસર બનાવવામાં આવે છે અને ખોટી લાયકાત દર્શાવીને તેને અવગણના કરવી એ સુરક્ષા સાથે જાેડાયેલો ગંભીર મામલો છે.
હવે વૉલ પર છેતરપિંડી, ખોટા દસ્તાવેજાેનો ઉપયોગ, નકલી પ્રમાણપત્ર રાખવા સહિતના અનેક ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા છે. જાે આ આરોપો સાબિત થશે તો તેને કેનેડાના એવિએશન ઈતિહાસના સૌથી ચોંકાવનારા છેતરપિંડીના કેસોમાંનો એક માનવામાં આવશે.



