
ગુજરાતમાં ૨૭મી જૂન સુધી વરસાદ પડવાની આગાહી ચોમાસું આગળ વધ્યું: ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે આજે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં હળવો વરસાદ ચાલુ રહી શકે છે ગુજરાતમાં ચોમાસાની રાહ જાેઈ રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ ભાગો તેમજ છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે સ્થિતિ સંપૂર્ણપણે સાનુકૂળ બની રહી છે. ત્યારે ગુજરાતમાં ૨૭મી જૂન સુધી વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૩મી જૂન આસપાસ ચોમાસું આ રાજ્યોમાં આગળ ધપે તેવી પ્રબળ શક્યતા છે. હાલમાં ઉત્તર ભારત અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે ટ્રફ લાઇન તરીકે 72°E રેખાંશ અને 32°N અક્ષાંશની ઉત્તરે સમુદ્રની સપાટીથી 5.8 km ની ઊંચાઈએ જાેવા મળી રહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતથી લઈને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી પણ 5.8 km ની ઊંચાઈએ એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. પ્રદેશમાં હાલ નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગઈકાલે ગુજરાત પર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળું પડ્યું છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૨મી જૂન એટલે આવતીકાલે પણ અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં હળવો વરસાદ ચાલુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જાેકે, સૌરાષ્ટ્રમાં આવતીકાલે માત્ર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં જ છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે.
હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન સ્થિર રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર શક્ય નથી.



