
ચારેય બાજુથી થઇ રહી છે ટીકા અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને ઘેરાયું પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં ૩૬ નાગરિકોના મોત અને ૧૬૩ લોકો ઘાયલ થયા છે અફઘાનિસ્તાનના પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાઓ બાદ આંતરરાષ્ટ્રીય ચિંતા વધી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન યુનિયન અને ઘણા દેશોએ આ ઘટનાની નિંદા કરી છે અને નાગરિક સલામતી અને તણાવ ઓછો કરવા માટે અપીલ કરી છે. હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ૩૬ લોકો માર્યા ગયા અને ૧૬૩ ઘાયલ થયા હતા. તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે, હુમલાઓમાં ઘણા ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. જેનાથી ઘટનાની ગંભીરતા વધુ વધી ગઈ છે.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમના પ્રવક્તા, સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે કોઈપણ સંઘર્ષમાં નાગરિકોનું રક્ષણ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જાેઈએ. તેમણે તમામ પક્ષોને હિંસા છોડી દેવા અને વાતચીત અને રાજદ્વારી દ્વારા તેમના મતભેદો ઉકેલવા અપીલ કરી, આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સંપૂર્ણ પાલન કરવા પર ભાર મૂક્યો. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશનએ પણ પુષ્ટિ આપી કે હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા હતા.
યુરોપિયન યુનિયને બંને દેશોને સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા અપીલ પણ કરી છે. વિદેશ બાબતોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નાગરિકોનું રક્ષણ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું તમામ સંજાેગોમાં સન્માન કરવું જાેઈએ. અફઘાનિસ્તાનમાં માનવ અધિકારોની પરિસ્થિતિ પર યુએનના વિશેષ સંવાદદાતા, રિચાર્ડ બેનેટે પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષા પડકારોને આંતરરાષ્ટ્રીય કાયદાના માળખામાં સંબોધવા જાેઈએ. તેઓએ હુમલાની નિષ્પક્ષ તપાસ ની માંગ કરી હતી.
ભારતે પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાનો સખત વિરોધ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અફઘાન પ્રદેશ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત નિંદા કરે છે. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ઘોર આક્રમણ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સીધો ખતરો છે. ભારતે પાકિસ્તાનની સરહદોની બહાર થયેલા આવા હુમલાઓ તરફ ધ્યાન દોરતા, અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે તેના અટલ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.



