
દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ વિવાદમાં ઉઠાવ્યા આકરા સવાલો શું બ્રેસલેટ પહેરવું એ સલમાન ખાનની ઓળખ? સુનાવણી દરમિયાન સલમાન ખાનના પક્ષે કેટલાક એવા ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યાે હતો દિલ્હી હાઈકોર્ટમાં અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ “કાલા બક – ધ બેટલ ફોર લેગસી” ની રિલીઝ અને ટીઝર પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અદાલતે સેલિબ્રિટીઝના ‘પર્સનાલિટી રાઈટ્સ’ (વ્યક્તિત્વના અધિકારો) ના વ્યાપને લઈને કેટલાક આકરા અને મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.અભિનેતા સલમાન ખાને કોર્ટમાં દલીલ કરી હતી કે આ ફિલ્મના નિર્માતાઓ તેમની પરવાનગી વિના તેમની છબી અને વૈવિધ્યસભર ઓળખનો ઉપયોગ કરીને આર્થિક અને વ્યાપારી લાભ ખાટવા માંગે છે. તેમના વકીલના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ દેખીતી રીતે જ ૧૯૯૮ના ચર્ચિત કાળિયાર શિકાર કેસ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જાેડાયેલા વિવાદોથી પ્રેરિત છે. આ આધારે તેમણે ફિલ્મની રજૂઆત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે ફિલ્મમાં મુખ્ય પાત્ર જે બ્રેસલેટ, કાનની બુટ્ટી અને ઘડિયાળ પહેરે છે, તે સલમાન ખાનની વાસ્તવિક જીવનની ઓળખ અને સ્ટાઈલ સાથે સીધા મેળ ખાય છે. આ દલીલ સામે કડક વલણ અપનાવતા દિલ્હી હાઈકોર્ટે પ્રશ્ન કર્યાે કે, શું માત્ર કોઈ ચોક્કસ બ્રેસલેટ, પાઘડી કે ઘડિયાળ પહેરવા માત્રથી તેને કોઈ વ્યક્તિ વિશેષનો વિશેષ અધિકાર ગણી શકાય? કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે શું હવે વ્યક્તિત્વના અધિકારો બંગડીઓ અને ઘડિયાળો જેવી સામાન્ય વસ્તુઓ પર પણ લાગુ કરવા પડશે? અદાલતે આવા આદેશને અકલ્પનીય ગણાવ્યો હતો અને સલમાનના પક્ષને પૂછ્યું હતું કે શું આ પ્રકારના ર્નિણય માટે ભૂતકાળનો કોઈ કાનૂની આધાર કે પૂર્વધારણા અસ્તિત્વમાં છે ખરા?હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માત્ર હાવભાવ કે એસેસરીઝ જેવા સંકેતો એ સાબિત કરવા માટે પૂરતા નથી કે આખી ફિલ્મ સલમાન ખાનના જીવન પર જ આધારિત છે. ફિલ્મ પર રોક લગાવવા માટે વાસ્તવિક, સ્પષ્ટ અને મજબૂત જાેડાણના પુરાવા હોવા જરૂરી છે; માત્ર આશંકાઓ કે અનુમાનના આધારે કોઈ સર્જનાત્મક કૃતિના પ્રસારણ પર પ્રતિબંધ લાદી શકાય નહીં.સુનાવણી દરમિયાન સલમાન ખાનના પક્ષે કેટલાક એવા ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યાે હતો, જેનો મૂળ અરજીમાં સમાવેશ કરાયો ન હતો. જાેકે, અદાલતે આ નવી સામગ્રીને રેકોર્ડ પર લેવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે બાબતો અરજીમાં લિખિત સ્વરૂપે હાજર છે, માત્ર તેના પર જ વિચાર કરવામાં આવશે અને પાછળથી નવી સામગ્રી ઉમેરીને દલીલોનો વ્યાપ વધારવાની મંજૂરી આપી શકાય નહીં.દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ નિર્માતાઓને આદેશ આપ્યો છે કે અરજીમાં જે વિવાદિત વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેની નકલો સલમાન ખાનના વકીલને ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેની સત્યતાની યોગ્ય ચકાસણી થઈ શકે. આ કેસની આગામી સુનાવણી ૭ જુલાઈના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે નિયત કરવામાં આવી છે, જેમાં ફિલ્મની રિલીઝ અને તેના પ્રોમો પર વચગાળાનો સ્ટે આપવો કે નહીં તે અંગે વધુ દલીલો સાંભળવામાં આવશે.




