
પોર્ટ પર જ તમામ કન્ટેનરોની તપાસ શરૂ કરાઈ પાકિસ્તાનથી દુબઈ મારફતે આયાત કરાયેલા ખજૂરના ૧૪ કન્ટેનર જપ્ત પાકિસ્તાનથી ખજૂરની આયાત પર આશરે ૨૦૦ ટકા કસ્ટમ ડ્યૂટી લાગુ પડે છે, જ્યારે દુબઈથી આયાત પર માત્ર ૧૦ ટકા ડ્યૂટી ચૂકવવાની રહે છે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ કંડલા પોર્ટ પર મોટી કાર્યવાહી કરતાં પાકિસ્તાનથી દુબઈ મારફતે ભારતમાં લાવવામાં આવેલા ખજૂરના ૧૪ કન્ટેનર જપ્ત કર્યા છે. અંદાજે ૩.૫ કરોડથી વધુ કિંમતના ૩૬૪ ટન ખજૂરના જથ્થાને કબજે લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આયાતકારે કસ્ટમ સમક્ષ મિસ-ડિક્લેરેશન કરીને કરોડો રૂપિયાની કસ્ટમ ડ્યૂટી બચાવવાનો પ્રયાસ કર્યાે હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણની તપાસમાં ઘણા મોટા માથાંની સંડોવણી બહાર આવે તેવી સંભાવના છે. એટલું જ નહીં, ડ્યૂટી બચાવવા માટે આયાતકારો અને તેમના એજન્ટો દ્વારા અનેક પ્રકારના કૌભાંડો આચરવામાં આવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.ડીઆરઆઈના જણાવ્યા મુજબ, દિલ્હીના એક મોટા આયાતકારે કંડલા કસ્ટમ સમક્ષ ખોટી વિગતો રજૂ કરી હતી. આયાતકાર વતી ફેટ લિંક લોજિસ્ટિક્સ દ્વારા આયાત સંબંધિત દસ્તાવેજાે કસ્ટમ ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા હતા. જાેકે રજૂ કરાયેલા દસ્તાવેજાે અને કન્ટેનરમાં રહેલા માલ વચ્ચે તફાવત હોવાની ગુપ્ત બાતમી અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે ડીઆરઆઈએ ૧૪ કન્ટેનરોને અટકાવી દીધા હતા. ત્યારબાદ પોર્ટ પર જ તમામ કન્ટેનરોની તપાસ શરૂ કરાઈ હતી. અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખજૂરનું મૂળ ઉત્પાદન પાકિસ્તાનનું હતું. પાકિસ્તાનમાંથી ખજૂર પ્રથમ દુબઈ મોકલવામાં આવ્યું હતું અને ત્યાં કન્ટેનર તેમજ શિપમેન્ટની વિગતો બદલી તેને દુબઈથી ભારતમાં નિકાસ કરવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ રીતે માલનો મૂળ દેશ છૂપાવીને તેની આયાત કરવામાં આવી હતી.સામાન્ય રીતે પાકિસ્તાનથી ખજૂરની આયાત પર આશરે ૨૦૦ ટકા કસ્ટમ ડ્યૂટી લાગુ પડે છે, જ્યારે દુબઈથી આયાત પર માત્ર ૧૦ ટકા ડ્યૂટી ચૂકવવાની રહે છે. આ રીતે અંદાજે ૧૯૦ ટકા કસ્ટમ ડ્યૂટી બચાવવા માટે આયાતકારે મિસ-ડિક્લેરેશન કરીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યાે હોવાનું તપાસમાં સામે આવ્યું છે.




