
સીમાંકન બિલ બિલકુલ સ્વીકાર્ય નથી!, રાહુલ ગાંધીએ કિરેન રિજિજુ સામે મૂકી આકરી શરત તેમણે રાજકીય પક્ષો સાથે અલગ-અલગ મળવાને બદલે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, વિપક્ષને સીમાંકન બિલ મંજૂર નથી. આ ઉપરાંત તેમણે સવાલ ઉઠાવ્યો છે કે સરકાર રાજકીય પક્ષોને અલગ-અલગ મળવાને બદલે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક કેમ નથી બોલાવતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અને કિરેન રિજિજૂ વચ્ચે થયેલી મુલાકાતમાં રાહુલે સંસદનું કામકાજ સરળતાથી ચાલવા દેવા માટે સરકાર સામે બે મુખ્ય માંગણીઓ મૂકી છે.
સંસદનું ચોમાસુ સત્ર દરરોજ હોબાળાના કારણે ખોરવાઈ રહ્યું છે. બુધવારે પણ જ્યારે આવી જ સ્થિતિ ઊભી થઈ, ત્યારે કિરેન રિજિજૂએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સરકારે કોંગ્રેસ સહિતના વિપક્ષ સમક્ષ સીમાંકન બિલ પર ચર્ચા કરવા માટે ૧૬, ૧૭ અને ૧૮ તારીખે સંસદનું ખાસ સત્ર બોલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના જવાબમાં કોંગ્રેસે કહ્યું હતું કે, તેઓ પાર્ટી અને અન્ય વિપક્ષી દળો સાથે ચર્ચા કરીને પોતાનો ર્નિણય જણાવશે.
રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ બે સ્પષ્ટ શરતો રાખી છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી ગૃહમંત્રી અમિત શાહ પોતાનું નિવેદન નહીં આપે અને રામ મંદિરમાં ચઢાવાની ચોરીના મુદ્દે ચર્ચા નહીં થાય, ત્યાં સુધી સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં આવશે નહીં. આ સાથે જ કોંગ્રેસે જણાવ્યું છે કે તેઓ સીમાંકન બિલ પર પોતાનું વલણ ટૂંક સમયમાં સરકાર સમક્ષ સ્પષ્ટ કરશે.
એવી ચર્ચા છે કે, કેન્દ્ર સરકાર સીમાંકન બિલ પર ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવી શકે છે. સંસદનું હાલનું ચોમાસુ સત્ર ૧૩ ઑગસ્ટે પૂરું થશે, પરંતુ ત્યારબાદ તેને સત્તાવાર રીતે સ્થગિત કરવામાં આવશે નહીં. આ પાછળનો હેતુ એ છે કે જાે જરૂર પડે તો તરત જ સંસદનું વિશેષ સત્ર બોલાવી શકાય. જાેકે, સરકાર આ જ યોજના પર આગળ વધી રહી છે તેવું હજુ સુધી ચોક્કસપણે કહી શકાય નહીં.
મળતી માહિતી મુજબ, સંસદના બંને ગૃહોમાં સુધારા બિલ પસાર કરાવવા માટે સરકાર બે તૃતીયાંશ બહુમતી સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે જેવી પૂરતા સમર્થનની ખાતરી મળશે, તરત જ ૧૬ ઑગસ્ટથી ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવી શકે છે. જાેકે, આ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.




