
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુકે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગતરોજ કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ અને લાખો રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો. વર્ષોથી આ ફેક્ટરીઓ ધમધમતી હતી અને નકલી ઘી તમામ ગામોમાં પહોંચતું હતું. છેલ્લા ચાર મહિનામાં ચાર નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. નવાઈની વાત છે કે ગુજરાતના આરોગ્ય મંત્રી તેમજ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયાના ક્ષેત્રમાં જ આ કારોબાર ધમધમી રહ્યો હતો. તો સવાલ એ પેદા થાય છે કે શું આરોગ્ય મંત્રીના ધ્યાનમાં આ વાત આવી ન હતી? ફૂડ અને ડ્રગ્સ વિભાગ આરોગ્ય મંત્રી હેઠળ આવે છે. તો બધા લોકો શું કરી રહ્યા હતા? એક તરફ ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને આ લોકો આ નકલી ઘીનો કારોબાર ચલાવી રહ્યા હતા અને વારંવાર નકલી ઘીની ફેક્ટરીઓ પકડાય છે, તો આરોગ્ય મંત્રીએ ગુજરાતના લોકો સામે એક સ્પષ્ટીકરણ આપવું જોઈએ કે કાં તો તમે આંખ આડા કાન કરો છો અથવા તો તમારું ધ્યાન ક્યાંય બીજે છે અને તમે પોતે લોકોની જવાબદારી સમજતા નથી અને કાં તો લોકોના આરોગ્ય વિશે તમને બિલકુલ ચિંતા નથી. જો તમને ગુજરાતની જનતાને આરોગ્યની ચિંતા હોત તો તમારા ક્ષેત્રમાં આ નકલી ઘીનો કારોબાર ચાલતો ન હોત.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા રામ ધડુકે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં નકલી ચીજ વસ્તુઓનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. નકલી કચેરી પકડાય, નકલી પોલીસ પકડાય, નકલી ડોક્ટરો પકડાય, નકલી દવાખાનાઓ પકડાય, નકલી મીઠાઈ પકડાય, આ રીતે બધું જ નકલી ધમધમી રહ્યું છે. હવે તહેવારોની સિઝનમાં મીઠાઈઓનું ધૂમ વેચાણ થવાનું છે, આરોગ્ય વિભાગ સેમ્પલ લેશે અને લોકો મીઠાઈઓ ખાઈ લેશે અને લોકોના તહેવારો પણ જતા રહેશે પછી એ સેમ્પલોના રિપોર્ટ આવશે, તો એ શું કામનું? હું ગુજરાતની જનતા વતી આરોગ્ય મંત્રીને અપીલ કરવા માંગુ છું કે હમણાં તહેવારો આવે છે ત્યારે લોકોને શુદ્ધ મીઠાઈ મળી રહે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય, કોઈપણ પ્રકારની ભેળસેળયુક્ત મીઠાઈઓ ન બને એ પ્રમાણે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવી પડશે, એવી લેબો ઊભી કરવી પડશે કે તાત્કાલિક સેમ્પલના રિપોર્ટ આવે અને જે લોકો નકલી કારોબાર કરતા હોય, એમના વિરુદ્ધ તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો આરોગ્ય મંત્રી આવી વ્યવસ્થા નહીં કરે તો આ નકલીનો કારોબાર ક્યારેય અટકવાનો નથી. તો આરોગ્ય મંત્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો પડશે.




