
આજે આમ આદમી પાર્ટીના જુનાગઢ સંગઠન દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાની આગેવાનીમાં જૂનાગઢમાં પરિવહન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે આજે અમે જુનાગઢ પરિવહન કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં અમે જણાવ્યું છે કે હમણાં જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે. અને મેં ગત વર્ષે પણ આ તહેવારોની આસપાસ અનેક લોકોની ફરિયાદો સાંભળી હતી અને મેં પોતે પણ બસમાં બેસીને અમુક ગંભીર સમસ્યાઓનો અનુભવ લીધો હતો કે જે લોકલ બસો કાયમી માટે ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા લોકો મુસાફરી કરતા હોય છે, એ બસોમાં એક્સપ્રેસનું ભાડું લેવામાં આવે છે અને આ અનુભવ મેં પણ કરેલો છે. મેં આ મુદ્દે પણ રજૂઆત કરી હતી પરંતુ કાંઈ થયું નહીં. આજે અમે પૂર પહેલા પાળ બાંધવાની કોશિશ કરવા માટે પરિવહન કચેરીમાં અધિકારીને મળ્યા અને રજૂઆત કરી છે કે આ વખતે આવું ન થવું જોઈએ.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, પરિવહન કચેરીમાં અધિકારીએ અમને આશ્વાસન આપ્યું છે કે “આ વખતે લોકલ બસોમાં જો એક્સપ્રેસનું ભાડું લેવામાં આવે અમને તાત્કાલિક જાણ કરવામાં આવે” અમે આવેદનપત્રમાં સ્પષ્ટ વાત જણાવી છે કે જો આ વખતે આવું થશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. ઘણા રાજ્યમાં અને આપણા વિસ્તારોમાં જ્યારે એક બહેન રાખડી બાંધવા માટે પોતાના ભાઈના ઘરે જાય છે એવા સમયમાં બહેનને સુવિધા મળી રહે અને આર્થિક બોજ ન પડે એવા સમયમાં વધારે ભાડું લેવું એ અયોગ્ય છે, માટે અમે આ રજૂઆત કરી હતી. અમને આશા છે કે આ વખતે લોકલ બસોમાં એક્સપ્રેસનું ભાડું લેવામાં આવશે નહીં અને જો એક્સપ્રેસનું ભાડું લેવાશે તો અમે ઉગ્ર વિરોધ કરીશું.




