
શ્રી રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ:પવિત્રતા-સ્થાપત્ય અને ભક્તિનો ત્રિવેણી સંગમ
હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવામાં આવે છે.મહાદેવ આદિ-અનાદિ છે,અજન્મા અને અનંત છે.શિવજીના મહિમા વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે.શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકી દક્ષિણ ભારતની પવિત્ર ભૂમિ પર વિરાજમાન શ્રી રામેશ્વરમ્ જ્યોતિર્લિંગનો મહિમા અદભુત અને અલૌકિક છે.
ભૌગોલિક સ્થાન અને મંદિરની વિશેષતાઓે..
રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ તામિલનાડુ રાજ્યના રામનાથપુરમ્ જિલ્લાના એક ટાપુ ઉપર આવેલું છે. હિન્દુ ધર્મમાં અતિ મહત્વ ધરાવતા ચાર ધામ પૈકીનું આ દક્ષિણી ધામ છે જ્યાં ઉત્તરમાં બદ્રીનાથ,પશ્ચિમમાં દ્વારકા,પૂર્વમાં જગન્નાથપુરી અને દક્ષિણમાં રામેશ્વરમ્નો સમાવેશ થાય છે.
આ મુખ્ય મંદિરનું પૂર્ણ નામ ;અરૂલમિગુ રામનાથસ્વામી મંદિર' છે,જે ટૂંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે.મંદિરની એક તરફ હિંદ મહાસાગર અને બીજી તરફ બંગાળની ખાડી આવેલી હોવાથી આ સ્થળનું નૈસર્ગિક સૌંદર્ય અત્યંત આકર્ષક છે.આશરે પચાસ હજારની વસતી ધરાવતા રામેશ્વરમ્ ટાઉન માટે રામનાથસ્વામી મંદિર અને પ્રવાસન જ જીવનનિર્વાહનો મુખ્ય સ્ત્રોત છે.
દક્ષિણ ભારતીય દ્રવિડ સ્થાપત્ય શૈલીનો આ મંદિર એક અદ્વિતીય અને ભવ્ય નમૂનો છે.૧૨મી સદીમાં મૂળ નિર્માણ પામેલા આ મંદિરની ઈ.સ.૧૪૧૪માં પુનઃરચના કરવામાં આવી હતી.ભારતના તમામ મંદિરોમાં સૌથી લાંબો અને કલાત્મક કૉરિડોર-પરસાળ રામેશ્વરમ્ મંદિરમાં આવેલો છે.મંદિર આશરે ૧૫ એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં ૧૨૧૨ વિશાળ નક્ષીદાર પિલર-થાંભલા આવેલા છે,દરેક થાંભલા પરની કારીગરી એકબીજાથી ભિન્ન અને ઝીણવટભરી છે.મંદિરનું પૂર્વીય ગોપુરમ્ ૧૭૩ ફૂટ ઊંચું છે.
મંદિર પરિસરમાં ૨૨ પવિત્ર કુંડ આવેલા છે.શિવલિંગના દર્શન કરતા પહેલાં આ કુંડના પવિત્ર જળથી સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.સમુદ્રકિનારે આવેલો આ કુંડ સૌથી પવિત્ર મનાય છે, જ્યાં પ્રભુ શ્રીરામે યજ્ઞ અને પૂજા કરતા પૂર્વે સ્નાન કર્યું હતું.મંદિરની અંદર સ્થિત આ કુંડનું જળ ગંગાજળ સમાન પવિત્ર ગણાય છે.
રામેશ્વરમ્ જ્યોતિર્લિંગની સ્થાપના પાછળ રામાયણકાળની અદભૂત પૌરાણિક કથા જોડાયેલી છે. લંકા પર ચડાઈ કરી માતા સીતાને રાક્ષસરાજ રાવણની કેદમાંથી મુક્ત કરવા માટે પ્રભુ શ્રીરામે સેતુબંધ નિર્માણ પહેલા વિજયના આશીર્વાદ મેળવવા શિવલિંગની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. શિવલિંગ લાવવા માટે હનુમાનજીને શિવજીના રહેઠાણ કૈલાશ પર્વત પર મોકલવામાં આવ્યા હતા.હનુમાનજીએ કૈલાશ પહોંચી ભગવાન શિવને પ્રસન્ન કરવા કઠોર તપસ્યા કરી.શિવજીએ દર્શન આપી પોતાના હાથે હનુમાનજીને
શિવલિંગ-વિશ્વલિંગ અર્પણ કર્યું.
હનુમાનજીને પાછા ફરવામાં વિલંબ થતાં અને શુભ મુહૂર્ત વીતી રહ્યું હોવાથી ઋષિમુનિઓની સલાહથી જગતજનની માતા સીતાએ દરિયાકિનારાની રેતીમાંથી શિવલિંગ તૈયાર કર્યું. શ્રીરામે તે શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂજન કર્યું.આ શિવલિંગ રામનાથસ્વામી-રામેશ્વરમ્ તરીકે ઓળખાયું.
હનુમાનજી કૈલાશથી શિવલિંગ લઈને આવ્યા ત્યારે બીજું શિવલિંગ સ્થાપિત થયેલું જોઈ દુઃખી થયા.પ્રભુ શ્રીરામે હનુમાનજીને આલિંગનમાં લઈ તેમના શ્રદ્ધા અને ભક્તિપૂર્વક લાવેલા શિવલિંગની પણ પાસે જ સ્થાપના કરી જેને 'હનુમતીશ્વર' કે વિશ્વેશ્વર નામ આપવામાં આવ્યું. શ્રીરામે હનુમાનજીને વરદાન આપ્યું કે ભક્તો સૌપ્રથમ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા 'હનુમતીશ્વર' શિવલિંગના દર્શન-પૂજન કરશે ત્યારબાદ જ માતા સીતા દ્વારા સ્થાપિત રામેશ્વરમ્ શિવલિંગની પૂજા પૂર્ણ ગણાશે.આ પરંપરા આજે પણ ચાલી આવે છે.
રામસેતુ-પંચમુખી હનુમાન અને ધનુષકોડી..લંકા પહોંચવા માટે વાનરસેનાએ નલ અને નીલની દોરવણી હેઠળ સમુદ્ર પર ૩૦ કિલોમીટર લાંબો પથ્થરનો પુલ બનાવ્યો હતો.ધનુષકોડીથી શ્રીલંકાના મન્નાર ટાપુ સુધી ફેલાયેલો આ સેતુ ૧૪મી સદી સુધી પાણીની સપાટીથી ઉપર હતો પરંતુ વિનાશક પૂર અને વાવાઝોડા બાદ તે જળમગ્ન થયો.આજે પણ અવકાશમાંથી લેવાતી તસવીરોમાં રામસેતુ સ્પષ્ટ દેખાય છે. રામેશ્વરમ્માં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં રામસેતુ નિર્માણમાં વપરાયેલા પાણી પર તરતા પથ્થરો આજે પણ દર્શનાર્થે રાખવામાં આવ્યા છે.યુદ્ધ પૂરૂં થયા પછી વિભીષણની વિનંતીથી પ્રભુ શ્રીરામે પોતાના ધનુષ્યની અણીથી આ સેતુનો એક ભાગ તોડી નાખ્યો હતો જેથી તે સ્થાન 'ધનુષકોડી' તરીકે ઓળખાયું.
રામેશ્વરમ્ સાથે જોડાયેલા અન્ય મુખ્ય આકર્ષણો..પામ્બન બ્રિજ..ભારતનો પ્રથમ સમુદ્રી રેલવે પુલ જે મંડપમ-મુખ્ય ભૂમિને રામેશ્વરમ્ દ્વીપ સાથે જોડે છે.સમુદ્ર વચ્ચે બનેલો આ એન્જિનિયરિંગનો અદભૂત અજાયબી છે.રામેશ્વરમ્ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને 'મિસાઇલ મેન ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામની જન્મભૂમિ છે.ધનુષકોડી જતા રસ્તામાં પેઇ કરૂમ્બુ ખાતે તેમનું ભવ્ય સ્મારક,તેમનું પૈતૃક ઘર અને પ્રાથમિક શાળા આવેલા છે.રામેશ્વરમ્માં આવેલો ૩૨૩ મીટર ઊંચો ટીવી ટાવર ભારતનો સૌથી ઊંચો ટાવર છે. સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ.૧૮૯૭માં રામેશ્વરમ્ની મુલાકાત લીધી હતી,તેમણે કહ્યું હતું કે પ્રેમમાં જ ધર્મ સમાયેલો છે.જો માનવી તન અને મનથી શુદ્ધ ન હોય તો તે કોઈપણ તીર્થધામની યાત્રા કરે તેનો કોઈ જ અર્થ સરતો નથી.




