
માઈક્રોચિપથી માલિકની થશે ઓળખ પાલતૂ પ્રાણીને રસ્તા પર છોડી દેશો તો થશે ૨૫,૦૦૦ નો દંડ ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન એ આ નિયમ એવા સમયે લીધો છે જ્યારે નગર નિગમને ફરિયાદો વધારે પ્રમાણમાં મળવા લાગી છે
એવા ઘણા કિસ્સા બનતા હોય છે જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીને અમુક સમય પછી રસ્તા પર છોડી અને જતા રહે છે. આ પ્રકારની ઘટનાઓ અટકે અને લોકો પોતાના પાલતુ કુતરા અને બિલાડીને રસ્તા પર ન છોડી દે તે માટે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન એ નવો નિયમ લાગુ કર્યો છે. અને અંતર્ગત રસ્તા પર પાલતુ પ્રાણીઓને છોડી દેવા પર માલિકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પાલતુ પ્રાણી રસ્તા પર મળશે તો તેના માલિકની ઓળખ માઇક્રોચીપ વડે કરવામાં આવશે.
ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન એ આ નિયમ એવા સમયે લીધો છે જ્યારે નગર નિગમને એવી ફરિયાદો વધારે પ્રમાણમાં મળવા લાગી છે જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીને થોડા સમય પછી રસ્તા પર મૂકીને જતા રહે છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે ઘરમાં પેટ ડોગ કે કેટ લાવે થોડો સમય રાખે અને પછી જ્યારે તેને સાચવી શકાય તેવી સ્થિતિ ન હોય એટલે તેને રસ્તા પર છોડીને જતા રહે. આવી ઘટનાઓ અટકે તે માટે દંડની જાેગવાઈ અમલમાં મૂકવામાં આવી છે.
રસ્તા પર છોડાયેલું ડોગ કે કેટ કે અન્ય કોઈપણ પ્રાણીના માલિક કોણ છે તે જાણવા માટે કોર્પોરેશન દરેક લાયસન્સ વાળા પ્રાણીને તેના માલિક સાથે જાેડવા માટે માઈક્રોચિપ નો ઉપયોગ કરે છે. માઈક્રોચિપ માં માલિકનું નામ, એડ્રેસ અને પ્રાણીને આપેલી એન્ટી રેબીઝ વેક્સિનની જાણકારી હશે. માઈક્રો ચીપિંગ પછી જાે કોઈ પાલતુ પ્રાણી રસ્તા પર લાવારીસ અવસ્થામાં મળશે તો માઈક્રોચીપ વડે તેના માલિકને ઓળખ મેળવવામાં આવશે અને પ્રાણીને તરછોડનારને દંડ ફટકારવામાં આવશે.
ચેન્નઈ કોર્પોરેશનના માઇક્રોચિપના નિયમથી એ જાણવું પણ સરળ થઈ જશે કે પાલતુ પ્રાણીઓને દર વર્ષે એન્ટિ રેબીઝ વેક્સિન લાગી રહી છે કે નહીં. શહેરમાં રહેતા અને પાલતુ પ્રાણી રાખતા દરેક વ્યક્તિએ તેના પ્રાણી માટે લાયસન્સ લેવું ફરજિયાત છે. લાઇસન્સ વાળા પ્રાણીઓ માટે માઇક્રોચિપ નો ઉપયોગ કરવામાં આવશે. નવા નિયમ પછી પાલતુ પ્રાણીઓ માટે માઇક્રોચીપ પણ અનિવાર્ય થઈ જશે.
ચેન્નઈ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન પેટ લાઇસન્સિંગ સિસ્ટમ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં કુલ ૭૮,૨૩૨ પ્રાણીઓનું લાઇસન્સ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન એવી ફરિયાદો પણ વધી છે જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીને તો છોડી દેતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અને પાલતુ પ્રાણીઓને છોડી ન દેવામાં આવે તે માટે કોર્પોરેશનને ૨૫,૦૦૦ ના દંડનો નિયમ બનાવ્યો છે.




