
દિવાળી પહેલા હરકતમાં આવ્યું AMC કાલુપુરમાં ફટાકડાની ૩૦ દુકાનો સીલ કરાઇ મનપા દ્વારા ફટાકડાની દુકાનો પર સઘન તપાસ હાથ ધરી ફાયર NOC ન મળતા ૩૦ દુકાનો સીલ કરવામાં આવી છે
અમદાવાદ શહેરમાં તહેવારોની મોસમ ટાણે નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કાલુપુર વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનો પર અમદાવાદ મનપાના તંત્ર દ્વારા અચાનક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
સ્થળ તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં પ્રીવેન્શન સેફ્ટી અને ફાયર સેફટીના નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં વેપારીઓ પાસે જરૂરી ફાયર NOC (ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મળી આવ્યા ન હતા, જેને ધ્યાનમાં રાખીને મનપાએ સુરક્ષાના ભાગરૂપે કડક કાર્યવાહી કરીને અંદાજે ૩૦ દુકાનોને સીલ કરી દીધી છે.
અમદાવાદ મનપા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે દુકાનદારો દ્વારા નિયમોનુસારના તમામ દસ્તાવેજાે અને માન્ય ફાયર NOC સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમને ફટાકડાના વેચાણ માટે યોગ્ય મંજૂરી આપવામાં આવશે. આ કાર્યવાહીથી અન્ય વિસ્તારોના વેપારીઓમાં પણ ફાયર સેફટી બાબતે જાગૃતિ અને ફફડાટ ફેલાયો છે.




