
પોતાના કમળ સમાન બે હાથમાં અમૃતથી ભરેલો કલશ અને રક્તવર્ણથી યુક્ત પાત્ર ધારણ કરનારાં માતા કૂષ્માંડા મારા માટે મંગલકારી બને.
ભારતીય સનાતન સંસ્કૃતિમાં નવરાત્રિ એ આદ્યશક્તિ જગદંબાની ઉપાસના,આત્મશુદ્ધિ,શક્તિજાગરણ અને આધ્યાત્મિક ઉન્નતિનું પવિત્ર પર્વ છે.નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાનાં નવ દિવ્ય સ્વરૂપો ની આરાધના કરવામાં આવે છે.નવરાત્રિના ચોથા નોરતે માતા કૂષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે.માતાનું આ સ્વરૂપ સૃષ્ટિના સર્જન,પ્રકાશ,જીવનશક્તિ,પ્રસન્નતા અને દિવ્ય ઊર્જાનું પ્રતીક છે.નવદુર્ગા ઉપાસનાની પરંપરા અનુસાર માતા કૂષ્માંડાએ પોતાના મંદ-હળવા અને દિવ્ય હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હોવાનું વર્ણન મળે છે. જ્યારે સૃષ્ટિનું કોઈ પ્રગટ સ્વરૂપ નહોતું, ચારે તરફ અંધકાર અને શૂન્યતાની કલ્પના કરવામાં આવે છે ત્યારે આદ્યશક્તિની સર્જનશક્તિમાંથી બ્રહ્માંડનું પ્રાગટ્ય થયું એવી માન્યતા છે. કૂષ્માંડા નામની પરંપરાગત વ્યાખ્યાને ‘બ્રહ્માંડ’ અને સર્જનશક્તિ સાથે જોડવામાં આવે છે. આધ્યાત્મિક અર્થઘટનોમાં ‘કુ’, ‘ઉષ્મા’ અને ‘અંડ’ને અનુક્રમે નાનું, ઊર્જા કે ઉષ્મા અને બ્રહ્માંડરૂપ અંડના પ્રતીક તરીકે સમજાવવામાં આવે છે.દેવી ભાગવત પુરાણમાં જગદંબાને સમગ્ર જગતની મૂળ પ્રકૃતિ અને સર્જનશક્તિ તરીકે સમજાવતી શક્તપરંપરા જોવા મળે છે.માર્કંડેય પુરાણના દેવીમાહાત્મ્યમાં પણ દેવીને સમગ્ર જગતની આધારભૂત મહાશક્તિ તરીકે સ્તુતિ કરવામાં આવી છે.આ જ વ્યાપક શક્તતત્વના પ્રકાશમાં માતા કૂષ્માંડાના સ્વરૂપનું ચિંતન કરી શકાય છે.
માતાનું દિવ્ય હાસ્ય આપણને શીખવે છે કે સર્જનની શરૂઆત પ્રસન્નતા-આશા અને સકારાત્મકતાથી થઈ શકે છે.જેમ અંધકારને દૂર કરવા માટે એક નાનકડો દીવો પણ પૂરતો બને છે તેમ જીવનના નિરાશાભર્યા વાતાવરણમાં પ્રેમ,જ્ઞાન અને સદ્વિચારનો નાનો પ્રકાશ પણ પરિવર્તન લાવી શકે છે. માતા કૂષ્માંડાનું નિવાસ સૂર્યમંડળના આંતરિક ભાગમાં હોવાનું માનવામાં આવે છે.સૂર્યના અસહ્ય તેજમાં નિવાસ કરવાની શક્તિ માત્ર માતામાં જ છે એવી ભક્તિભાવપૂર્ણ માન્યતા છે,તેમનું શરીર સૂર્ય સમાન તેજસ્વી અને દેદીપ્યમાન હોવાનું વર્ણન કરવામાં આવે છે.સૂર્ય પૃથ્વી પરના જીવન માટે પ્રકાશ અને ઊર્જાનો મુખ્ય કુદરતી સ્રોત છે.વનસ્પતિના વિકાસથી લઈને જળચક્ર અને પૃથ્વીના વાતાવરણ સુધી સૂર્યની ઊર્જા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.આ વૈજ્ઞાનિક હકીકતને આધ્યાત્મિક પ્રતીક સાથે જોડીએ તો માતા કૂષ્માંડા જીવનને પોષતી,અંધકારને દૂર કરતી અને ચેતનાને જાગૃત કરતી દિવ્ય શક્તિનું પ્રતિનિધિત્વ કરે
છે.
બ્રહ્માંડની દરેક વસ્તુમાં રહેલી ઊર્જા અને પ્રકાશને માતાની શક્તિની છાયા તરીકે જોવું એ ભક્તિપરંપરાનો ભાવાર્થ છે.આનો અર્થ એવો નથી કે પુરાણોમાં વર્ણવાયેલું દરેક પ્રતીક આધુનિક વિજ્ઞાનનું શાબ્દિક વર્ણન છે.ધાર્મિક પ્રતીકો આપણને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા,જીવન પ્રત્યે આદર અને પરમશક્તિ પ્રત્યે શ્રદ્ધા રાખવાનું શીખવે છે. માતા કૂષ્માંડાને આઠ હાથ હોવાથી તેઓ ‘અષ્ટભુજા દેવી’ તરીકે પણ પ્રસિદ્ધ છે.તેમના હાથોમાં કમંડલ,ધનુષ્ય,બાણ,કમળ,અમૃતપૂર્ણ કલશ,ચક્ર,ગદા અને જપમાળા ધારણ કરેલાં દર્શાવવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે જે શૌર્ય-નિર્ભયતા અને શક્તિનું પ્રતીક છે.માતાના દરેક આયુધનું પ્રતીકાત્મક મહત્વ
સમજવા જેવું છે. કમંડલ-સાદગી,તપ,પવિત્રતા અને સંયમનું પ્રતીક છે, ધનુષ્ય અને બાણ-લક્ષ્ય પ્રત્યેની એકાગ્રતા, દ્રઢ નિશ્ચય અને જીવનમાં યોગ્ય દિશા પસંદ કરવાની પ્રેરણા આપે છે, કમળ-સંસારની વચ્ચે રહીને પણ નિર્મળ અને નિર્લેપ રહેવાનો સંદેશ, અમૃતપૂર્ણ કલશ-જીવન,પોષણ,આશા અને આધ્યાત્મિક અમરતત્વનું પ્રતીક, ચક્ર-સમયની ગતિ-કર્મની જવાબદારી અને ધર્મની સ્થાપનાનું પ્રતીક છે, ગદા-દુષ્ટ વૃત્તિઓ સામે લડવાની આંતરિક શક્તિ અને સાહસ, જપમાળા-ધ્યાન,ભક્તિ,સતત સ્મરણ અને આધ્યાત્મિક સાધનાનું
પ્રતીક છે.
આઠ હાથ જાણે એવો સંદેશ આપે છે કે મનુષ્યે પોતાના જીવનમાં જ્ઞાન,સાહસ,સંયમ,કરૂણા, એકાગ્રતા અને નિષ્ઠા જેવા ગુણો વિકસાવવા જોઈએ.માત્ર બાહ્ય શક્તિ જ નહીં પરંતુ આંતરિક ચારિત્ર્યબળ પણ જીવનને સફળ બનાવે છે. વ્યવહારિક જીવનમાં ગર્ભ ધારણ કરીને નવા જીવને જન્મ આપતી સ્ત્રી સર્જનશક્તિનું જીવંત પ્રતીક છે.માતૃત્વમાં રહેલી સહનશીલતા,ત્યાગ,પોષણ અને નિઃસ્વાર્થ પ્રેમ આપણને જગદંબાની માતૃશક્તિની યાદ અપાવે છે.
માતા કૂષ્માંડાના સ્વરૂપનું ચિંતન કરતાં સમજાય છે કે સર્જન માત્ર બ્રહ્માંડની ઉત્પત્તિ પૂરતું સીમિત નથી.કોઈ બાળકને સારા સંસ્કાર આપવા,અજ્ઞાનને જ્ઞાનમાં પરિવર્તિત કરવા,નિરાશ વ્યક્તિમાં આશા જગાડવા કે સમાજમાં સદભાવના વિકસાવવા જે પ્રયત્ન થાય છે તે પણ સર્જનાત્મક શક્તિનું જ સ્વરૂપ છે. આથી સ્ત્રીનું સન્માન,માતૃત્વ પ્રત્યે આદર અને દરેક જીવ પ્રત્યે કરૂણાભાવ રાખવો એ માતાની ઉપાસનાના વ્યવહારિક પાસાં છે.જે વ્યક્તિ માતાની આરાધના કરે છે તેણે પોતાના વર્તનમાં પણ પ્રેમ-પવિત્રતા અને ઉદારતા પ્રગટ કરવી જોઈએ.
યોગ અને તંત્રની પરંપરાઓમાં નવરાત્રિના ચોથા દિવસે માતા કૂષ્માંડાની ઉપાસનાને અનાહત ચક્ર સાથે જોડવામાં આવે છે.અનાહત ચક્રનું સ્થાન હૃદયપ્રદેશમાં માનવામાં આવે છે,તેને પ્રેમ,કરૂણા,ક્ષમા, સંતુલન અને ભાવનાત્મક પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે.આ દિવસે સાધકે મનને શાંત અને એકાગ્ર રાખીને માતાના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ.પૂજા દરમિયાન બાહ્ય વિધિ સાથે આંતરિક ગુણવિકાસને પણ મહત્વ આપવું જોઈએ.કોઈ પ્રત્યે દ્વેષ હોય તો ક્ષમાનો ભાવ કેળવવો,અહંકાર હોય તો નમ્રતા અપનાવવી અને નિરાશા હોય તો આશાવાદ જાળવવો. માતા કૂષ્માંડાની ભક્તિથી રોગ,શોક અને દુઃખનો નાશ થાય છે તથા આયુષ્ય,બળ,યશ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.માતા અલ્પ સેવા અને નિષ્કપટ ભક્તિથી પ્રસન્ન થાય છે.સાચા હૃદયથી તેમની શરણાગતિ સ્વીકારનાર ભક્તને પરમપદની પ્રાપ્તિનો માર્ગ સુગમ બને છે.આ આશીર્વાદોને જીવનમાં ઉતારવાનો અર્થ માત્ર ચમત્કારની અપેક્ષા રાખવી નથી.મનની પ્રસન્નતા,નિયમિત જીવન,સાત્વિક આહાર, સદાચાર,પરિશ્રમ,પરોપકાર અને સકારાત્મક વિચારસરણી પણ સુખી જીવનના મહત્વના આધાર છે. ઉપાસના વ્યક્તિને આ ગુણો કેળવવા પ્રેરિત કરે છે.બીમારી હોય ત્યારે ભક્તિ સાથે યોગ્ય તબીબી સારવાર લેવી પણ એટલી જ જરૂરી છે. માતા કૂષ્માંડાની કૃપા માટે પ્રાર્થના કરતાં આપણે પોતાની અંદર રહેલી આળસ, ઈર્ષ્યા, ક્રોધ, લોભ અને અહંકાર જેવી આસુરી વૃત્તિઓને દૂર કરવાનો સંકલ્પ કરવો જોઈએ.આ રીતે ઉપાસના આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મેળવવાની આંતરિક પ્રેરણા બની શકે છે. નવરાત્રિના ચોથા દિવસ સાથે નારંગી રંગને કેટલીક પ્રચલિત પરંપરાઓમાં જોડવામાં આવે છે. નારંગી રંગ ઉત્સાહ,ઊર્જા,સાહસ અને આશાવાદનું પ્રતીક માનવામાં આવે છે.આ રંગ આપણને નિષ્ક્રિયતા છોડીને સકારાત્મક કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
માતા કૂષ્માંડાની ઉપાસના કરતાં આપણે પોતાના જીવનમાં ત્રણ સંકલ્પ લેવાના છે..પ્રસન્નતા- મુશ્કેલીઓ વચ્ચે પણ આશા અને હિંમત જાળવી રાખવી, સર્જનાત્મકતા-પરિવાર,સમાજ અને પ્રકૃતિના હિતમાં કંઈક સારૂં સર્જવાનો પ્રયત્ન કરવો, સેવા અને સમર્પણ- રૂરિયાતમંદને મદદ કરવી,વડીલોનો આદર કરવો અને દરેક જીવ પ્રત્યે કરૂણા રાખવી. શ્રદ્ધાપૂર્વક દેવીની ઉપાસના કરવી એ ભક્તિનો માર્ગ છે પરંતુ ઉપાસનાની સાચી સાર્થકતા ત્યારે પ્રગટ થાય છે જ્યારે જીવનમાં સત્ય, દયા, ક્ષમા, પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાનો વિકાસ થાય છે.માતાની ભક્તિ મનુષ્યને ભવસાગર પાર ઉતરવા માટે શ્રદ્ધા અને આત્મબળ આપે છે. લૌકિક જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની સાથે પારલૌકિક ઉન્નતિ ઇચ્છનાર વ્યક્તિએ ભક્તિ-જ્ઞાન અને સદાચારના માર્ગે સતત આગળ વધવું જોઈએ. માતા કૂષ્માંડા સૃષ્ટિની સર્જનશક્તિ, સૂર્ય સમાન તેજ, માતૃત્વની મમતા અને આંતરિક જાગૃતિનું દિવ્ય પ્રતીક છે, તેમનું સ્વરૂપ આપણને સમજાવે છે કે જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે વિશાળ સાધનોની નહીં પરંતુ નિર્મળ હૃદય-દ્રઢ સંકલ્પ અને સકારાત્મક ભાવનાની જરૂર છે. નવરાત્રિના ચોથા નોરતે માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાંથી અજ્ઞાન,અહંકાર અને નિરાશાનો અંધકાર દૂર થાય,
હૃદયમાં પ્રેમ-કરૂણા અને ભક્તિનો પ્રકાશ પ્રગટે અને આપણું જીવન પરિવાર-સમાજ તથા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સમર્પિત બને.
યા દેવી સર્વભૂતેષુ મા કૂષ્માંડા રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
જે દેવી સર્વ પ્રાણીઓમાં માતા કૂષ્માંડા સ્વરૂપે વિરાજમાન છે તે જગદંબાને વારંવાર નમન છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




