
પુજારી, શ્રદ્ધાળુઓની હાજરીમાં ઈંટો ફેંકી મંદિરમાં તોડફોડ કરાઈ US ના ઓહાયોમાં શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર હુમલો છેલ્લા ૫ વર્ષમાં અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની ૧૫થી વધુ ઘટનાઓ બની ચુકી છે
અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે મંદિરને ભારે નુકસાન થયું છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, બપોરે ૧:૩૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર આ હુમલો થયો હતો. આ હુમલામાં મંદિરની બારીઓ તૂટી ગઈ હતી. ઘટના બની ત્યારે મંદિરની અંદર પૂજારી અને કેટલાક શ્રદ્ધાળુઓ હાજર હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે, જેના આધારે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ શકમંદની ઓળખ કે ધરપકડ કરવામાં આવી નથી.હિન્દુ સ્વયંસેવક સંઘ-યુએસએના મતે, છેલ્લા ૫ વર્ષમાં અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની ૧૫થી વધુ ઘટનાઓ બની ચૂકી છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આ એક સંભવિત ‘હેટ ક્રાઇમ’ હોઈ શકે છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓહાયો સહિત અમેરિકાના અનેક ભાગોમાં ‘હિન્દુ હેરિટેજ મંથ’ની ઉજવણી થઈ રહી છે અને નવરાત્રી પણ નજીક છે. સંસ્થાએ કાયદો અમલી કરતી એજન્સીઓ પાસે હુમલાખોરોની ઝડપથી ધરપકડ કરવાની માંગ કરી છે.




