
ફિલ્મ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘બંદિશ બેન્ડિટ્સ’ ફેમ શ્રેયા ચૌધરી આયુષ્માન સાથે ‘મુપાપા’માં દેખાશે ‘બંદિશ બેન્ડિટ્સ’ની બંને સિઝનમાં શ્રેયાનાં સ્વાભાવિક અને સરળ અભિનયને દર્શકોએ વખાણ્યો હતો
‘બંદિશ બેન્ડિટ્સ’ અને ‘ધ મહેતા બોયઝ’ જેવી ફિલ્મો-સિરીઝમાં પોતાનાં અભિનયથી ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રેયા ચૌધરી હવે આયુષ્માન ખુરાના સાથે મોટા પડદા પર જાેવા મળશે. અહેવાલ મુજબ યશરાજ ફિલ્મ્સ અને પોશમપા પિક્ચર્સની આગામી ફિલ્મ ‘મુપાપા’માં શ્રેયાને આયુષ્માનની સામે મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. શ્રેયાએ અત્યાર સુધી વિવિધ પ્રકારની ભૂમિકાઓ દ્વારા પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ‘બંદિશ બેન્ડિટ્સ’ની બંને સિઝનમાં તેનાં સ્વાભાવિક અને સરળ અભિનયને દર્શકોએ વખાણ્યો હતો. ‘ધ મહેતા બોયઝ’માં પણ તેણે ઊંડાણ ધરાવતું પાત્ર ભજવી પોતાની અભિનય ક્ષમતા દર્શાવી હતી. ‘મુપાપા’ તેનાં કરિયરમાં વધુ એક મહત્વપૂર્ણ તક બની શકે છે. ‘કાલા પાની’ ફેમ સમીર સક્સેનાના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાનીએ પોશમપા પિક્ચર્સ સાથે મળીને કર્યું છે. ફિલ્મની વાર્તા અંગે હાલમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. જાેકે તેને અલગ પ્રકારની વિઝ્યુઅલ ટ્રીટ ધરાવતી થ્રિલર તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને તે ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.




