Gujarat Weather Forecast: રાજ્યમાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. તડકા વચ્ચે લોકોના ઘરોમાં પંખાની સાથે-સાથે એસી પણ શરૂ થઇ ગયા છે. આવામાં એપ્રિલ મહિનો ચાલુ હોવા છતા પણ ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. કેમ કે, હવામાન વિભાગ દ્વારા ભરઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે.
બીજી બાજુ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 13થી 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
આટલું જ નહીં, પરંતુ તે પછીના બે દિવસ એટલે કે 14 અને 15 તારીખે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 અને 15 એપ્રિલે છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ અને તે પછી માવઠું થવાની સંભાવનાઓ
નોંધનીય છે કે, રાજ્યમાં આકરી ગરમી, કમોસમી વરસાદની સંભાવનાઓ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તારીખો જણાવી છે. પહેલા ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ અને તે પછી માવઠું થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે. ઊંચા તાપમાનના કારણે વાદળ બંધાવાની પ્રક્રિયા અને તે પછી માવઠું થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.
તારીખ 10 અને 11 તારીખ દરમિયાન દોઢ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે
તેમણે જણાવ્યું કે, તારીખ 10 અને 11 તારીખ દરમિયાન દોઢ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. આ દરમિયાન રાજ્યના એકલ-દોકલ વિસ્તારમાં છાંટા કે છાપટું પડી શકે છે. 11મી તારીખની બપોર બાદ ફરી તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. 13 તારીખ સુધી રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે, જેમાં 13થી 16 તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા માવઠાની સંભાવનાઓ છે. જોકે, આ માવઠા ભારે નહીં હોય પરંતુ મધ્યમથી ભારે ઝાપટાં થવાની શક્યતાઓ છે. માવઠાની અસર રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તેમણે ખેડૂતોને જે કંઈ સાચવવાની જરુર હોય તેની કાળજી 13થી 16 તારીખ દરમિયાન રાખવાની સલાહ આપી છે.