
(નીડર,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગુજરાતમાં ગરીબીની રેખાની નીચે જીવતા લોકોની ગણતરી માટે જે માપદંડ ગણવામાં આવે છે તેને વિશે તાજેતરમાં જબરદસ્ત હોબાળો મચ્યો છે. ગુજરાતમાં વિકાસ થયો છે અને ગરીબી ઓછી છે એવા દાવાઓ વચ્ચે આજે વિગતો પ્રકાશમાં આવી છે તે ચોંકાવનારી છે. જ્યારે બે-એક વર્ષ અગાઉ રાષ્ટ્રીય આયોજન પંચે ગ્રામ વિસ્તારો માટે માથાદીઠ રોજની આવક રૂા-૩૧.૦૬ અને શહેરી વિસ્તારો માટે માથાદીઠ રોજની આવક રૂા-૩૮.૪૦ નક્કી કરી ત્યારે હોબાળો મચી ગયો હતો. સવાલ એ ઉભો થાય છે કે ગુજરાત સરકારે શા માટે આયોજન પંચનો આ માપદંડ સ્વીકાર્યો નથી? શું તે ઓછા રૂપિયાવાળી ગરીબીની રેખા નક્કી કરીને એમ કહેવા માંગે છે કે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ઓછું છે?
જો આવકને કે ખર્ચને જ ઉપર મુજબનો માપદંડ ગણવામાં આવે તો તેમાં માત્ર ખાદ્યાખોરાકીનો જ સમાવેશ કરાય છે. વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી અન્ય પાયાની ચીજવસ્તુઓ અને સેવાઓનો સમાવેશ એમાં થતો જ નથી. જો એ બધાનો સમાવેશ થાય તો ગરીબીનો આંક ઘણો ઊંચો જાય તેમ છે. પણ ગુજરાત સરકાર તેને ધ્યાનમાં લેવા કેમ તૈયાર નથી? એનો અર્થ જ એ થાય છે કે ગુજરાત સરકાર એ બતાવવા માંગે છે કે ગુજરાતમાં ગરીબી ખૂબ જ ઓછી છે.
મુખ્યમંત્રી અમૃતમ યોજનાના પ્રચાર માટે રાજ્ય સરકારે જે સાહિત્ય સપ્ટેમ્બર-૨૦૧૪ માં બહાર પાડ્યું તેમાં લખાયા મુજબ તે યોજનાનો લાભ ૪૧.૩૦ લાખ પરિવારોને મળશે. એટલે કે જાન્યુ અને સપ્ટે-૨૦૧૪ દરમ્યાન ગરીબ પરિવારોની સંખ્યા ૧.૩૦ લાખ પરિવાર જેટલી વધી ગઈ હતી.
જ્યારે અન્ન સલામતી ધારા હેઠળ ‘મા અન્નપૂર્ણા યોજના’ જાહેર કરવામાં આવી છે. તેનો લાભ ૩.૫૨ કરોડ લોકોને અપાશે એમ સરકારે જાહેર કર્યું છે. એનો અર્થ એ થયો કે ગુજરાતમાં ૫૮ ટકા લોકો ગરીબ છે. આમ માત્ર ગરીબી સરકારી જાહેરાતો માં ઘટી છે વાસ્તવિક રીતે નહિ.




