
માત્ર એક મેસેજ પર મળશે મૂંઝવણનો ઉકેલ.અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન શરૂ.અમદાવાદ જ નહીં ગુજરાતના કોઈપણ જિલ્લાનો વિદ્યાર્થી આ હેલ્પલાઇન પર સંપર્ક કરીને મુંઝવણ દૂર કરી શકે છે.બોર્ડની પરીક્ષાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ઉત્સાહ અને સાથે જ થોડી ચિંતા પણ જાેવા મળી રહી છે. પરીક્ષાની તૈયારીઓ વેગ પકડી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો અને માનસિક દબાણ ઉભું થતું હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા એક વિશેષ પહેલ ‘સારથી હેલ્પલાઇન’ શરૂ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે માનસિક તણાવ અનુભવે નહીં તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન માત્ર અમદાવાદ પૂરતી સીમિત નથી; ગુજરાતના કોઈપણ જિલ્લાનો વિદ્યાર્થી આ સેવાનો લાભ મેળવી શકે છે. વિદ્યાર્થીઓએ આ હેલ્પલાઇનનો લાભ લેવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે. હેલ્પલાઇન નંબર ૯૯૭૮૨૭૨૫૨૬ પર વિદ્યાર્થીએ આ નંબર પર ફક્ત વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. મેસેજ મળ્યા બાદ ‘ટીમ સારથી’ સામેથી વિદ્યાર્થીનો સંપર્ક કરશે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવશે.
આ હેલ્પલાઇન માત્ર શૈક્ષણિક પ્રશ્નો પૂરતી મર્યાદિત નથી. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિષયને લગતી અઘરી વિગતો કે પ્રશ્નો સમજાવવા માટે અનુભવી શિક્ષકો ઉપલબ્ધ રહેશે. પરીક્ષાના સમયે આવતા માનસિક તણાવ, ડર કે એકાગ્રતાની સમસ્યા માટે ૬૦ જેટલા પ્રોફેશનલ કાઉન્સિલર્સ અને ડોક્ટરોની ટીમ સતત કાર્યરત રહેશે. ગયા વર્ષના ડેટા મુજબ, આ હેલ્પલાઇન દ્વારા ૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું સફળતાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. આ આંકડો સૂચવે છે કે વિદ્યાર્થીઓને જ્યારે યોગ્ય માર્ગદર્શન મળે છે, ત્યારે તેઓ વધુ સારા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે છે. બોર્ડની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થી અને વાલીઓને વિનંતી છે કે, જાે મનમાં જરા પણ મૂંઝવણ હોય તો આ હેલ્પલાઇનનો અવશ્ય સંપર્ક કરે. યાદ રાખો, પરીક્ષા એ માત્ર તમારી તૈયારીની કસોટી છે, જીવનની નહીં.




