
૪ ટનની બુદ્ધ પ્રતિમા ધરાવતા ‘પ્રેરણાસ્થળ’નું કરશે ઉદ્ઘાટન વડાપ્રધાન ૩ નવેમ્બરે મહારાષ્ટ્રના બારામતીની મુલાકાત લેશે આ કાર્યક્રમ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને આમંત્રણ અપાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩ નવેમ્બરે મહારાષ્ટ્રના બારામતીની મુલાકાત લેશે. અહીં તેઓ વિદ્યા પ્રતિષ્ઠાનના પરિસરમાં નવનિર્મિત ‘પ્રેરણાસ્થળ’નું ઉદ્ઘાટન કરશે.
આ સ્થળે ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેનું વજન ૪ ટન હોવાનું જાણવા મળે છે. NCP (SP) ના પ્રમુખ શરદ પવારે આ અંગે માહિતી આપી છે.
શરદ પવારે જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવાર ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ પૂનાવાલા તથા માઇક્રોસોફ્ટના પ્રતિનિધિઓને આમંત્રણ અપાયું છે. બારામતીમાં આવેલું વિદ્યા પ્રતિષ્ઠાન એક શૈક્ષણિક સંસ્થા છે, જેના શરદ પવાર અધ્યક્ષ છે.
‘પ્રેરણાસ્થળ’ના પરિસરમાં અનેક મહાનુભાવોના ચિત્રો અને તસવીરો પણ પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં રાજમાતા જીજાઉ, છત્રપતિ શિવાજી મહારાજ, અહિલ્યાદેવી હોલકર, જ્યોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર અને શરદ પવારની માતા શારદાબાઈ પવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત PM Modi બારામતીમાં સ્થાપિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેન્દ્રની પણ મુલાકાત લેશે. શરદ પવારના જણાવ્યા મુજબ, આ કેન્દ્રમાં અત્યાર સુધીમાં ૬૪૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.




